અમદાવાદ,તા.૧પ
બરકતો અને રહેમતોનો મહિનો રમઝાનમાં રોઝા, નમાઝ, તરાવીહની નમાઝ, કુર્આને પાકની તિલાવત સહિત આખો મહિનો ઈબાદતમાં પસાર કર્યા બાદ માહે શવ્વાલનો ચાંદ થતાં જ મુસ્લિમ બિરાદરો ઝૂમી ઉઠ્યા હતા અને રમઝાન ઈદની બાકી રહી ગયેલી છેલ્લી ઘડીની તૈયારીમાં લાગી ગયા હતા. આવતી કાલે મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્રની ખાસ નમાઝ અદા કરી એક બીજાને મુબારકબાદી પાઠવશે તેમજ ઈદની ખાસ વાનગી શીર ખુરમાની મીઠાશ સાથે ઈદની ઉજવણી કરવામાં આવશે.
‘રમઝાન ઈદ’ મુસ્લિમોના સૌથી મોટા તહેવારો પૈકીનો એક તહેવાર છે. રમઝાન ઈદ ખુશીનો તહેવાર છે જેમાં અલ્લાહત્આલા તરફથી આખા રમઝાન માસ દરમ્યાન રોઝા, નમાઝ, કુર્આને પાકની તિલાવત નફલ ઈબાદતો, ઝીક્ર, અલ્લાહની હમદોસના વગેરેમાં મશગુલ રહેનારા બંધાઓને અલ્લાહત્આલાએ ‘ઈદ’ ઈનામ સ્વરૂપે આપી છે.
ઈદની આગલી એટલે કે લયલતુલ જાવઝા કે ઈનામની રાત કહેવાય છે. તેમાં અલ્લાહત્આલા રાત્રે જાગી ઈબાદત કરનારા બંદાઓને ખાસ ઈનામ અતા કરે છે. આથી ઈદના ચાંદની જાણ થયા બાદ બજારોમાં અને ચાની કીટલીઓ પર વધારે સમય પસાર કરવાને બદલે મુસલમાનોએ વધુમાં વધુ ઈબાદત કરીને અલ્લાહને રાજી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
‘રમઝાન ઈદ’ના દિવસે વહેલી સવારે ફજરની નમાઝ જમાત સાથે અદા કર્યા બાદ ઘરે આવી “ઈદની નમાઝ અદા” કરવા જતાં અગાઉ એકી સંખ્યામાં ખજૂર ખાવી સુન્નત છે, ગુસ્લ કરી નવા કપડાં પહેરી ખુશ્બુ લગાવવી, સુરમો લગાવવો ત્યાર બાદ બની શકે તો ચાલતા ચાલતા ઈદની નમાઝ અદા કરવા મસ્જિદ સુધી જવું, રસ્તામાં અલ્લાહુ અકબરની તસ્વીહ પઢતા રહેવું ઘરથી મસ્જિદમાં ઈદની નમાઝ પઢવા માટે જે રસ્તેથી ગયા હોઈએ તે રસ્તાને બદલી અન્ય રસ્તાથી ઘર તરફ પાછા ફરવું, ઈદની નમાઝ બાદ એક બીજાને મુશાફહ કરી ગળે ભેટી ઈદની મુબારકબાદી પાઠવવી જોઈએ. ‘શીર ખુરમા’ એ રમઝાન ઈદમાં મુસલમાનોની ખાસ વાનગી છે. જે દૂધ અને સેવ (સેવૈયા) તથા સુકામેવાનું મિશ્રણ કરી ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. જેને સગા સંબંધી, મિત્રો, પાડોશીઓ તથા ઈદ મળવા આવનાર તમામ લોકો સમક્ષ પીરસવામાં આવે છે અને એમ તમામને ઈદની ખુશીમાં ભાગીદાર બનાવાય છે. ઈદમાં સૌથી વધુ ખુશી નાના બાળકો મનાવે છે. તેઓ વહેલી સવારે જ તૈયાર થઈ બેસી જાય છે અને ઈદની નમાઝ બાદ ઘરે આવનાર મહેમાનો અને પાડોશીઓની રાહ જૂએ છે. તેમનો હેતુ તેમની પાસેથી ‘ઈદી’ મેળવવાનો હોય છે. જે બાળકોની ‘પોકેટ મની’માં વધારો કરી આપે છે.
આજ-કાલ ઈદના દિવસે અને ત્યારબાદના દિવસોએ મુસલમાનોએ સિનેમા ઘર, મોલ, શોપીંગ સેન્ટર, બાગ-બગીચા સહિતના સ્થળોએ જવાથી બચવું જોઈએ. કેમ કે આખો મહિનો ઈબાદત કર્યા પછી આ રીતે આવા સ્થળોએ જઈ ધીંગા-મસ્તી કરાતા સારા કાર્યો પર કેટલાક લોકો પાણી ફેરવી દેતા હોય છે. ઉપરાંત કેટલાક નાસમજ યુવાનો તો બાગ-બગીચામાં જઈ તોડફોડ અને ગંદકી કરે છે. જેને કારણે તેમની આવી હરકતોથી સમગ્ર મુસ્લિમ સમાજ બદનામ થાય છે. તેમજ જે તે સ્થળોએ ઉપસ્થિત અન્ય લોકો પણ ભારે પરેશાનીમાં મુકાય છે. તો આપણે સંયમ દાખવી ઈસ્લામે દર્શાવેલ માર્ગ પર ચાલી ખુશીઓના તહેવાર ‘રમઝાન ઈદ’ની ખુશી સાથે શરીઅતના દાયરામાં રહી ઈદની ઉજવણી કરવી જોઈએ. જેનાથી ખુશનુમા માહોલ ઉભો કરી શકાય.