(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલી મઢી સુરાલી વિભાગ નાગરિક સહકારી ધિરાણ મંડળીમાં આજે બપોરના સુમારે લાલ રંગની સ્વિફ્‌ટ કારમાં આવેલા ૬ બુકાનીધારીઓ અચાનક સંસ્થાના બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેઓ લાકડીના સપાટાથી ફર્નિચરની તોડફોડ કરી ભાગી છૂટયા હતા. આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ મઢી સુરાલી વિભાગ નાગરિક સહકારી ધિરાણ મંડળીમાં સોમવારના રોજ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ એક લાલ સ્વિફ્‌ટ કારમાં ૬ અજાણ્યા શખ્સો મોઢે બુકાની બાંધીને અચાનક સંસ્થાના બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને કર્મચારીઓ કઈ સમજે તે પહેલા લાકડી વડે મકાનમાં કાચ તેમજ ફર્નિચરની તોડફોડ કરી હતી. ઘટના અંગે જાણ થતાં જ સંચાલકો એકત્રિત થઈ ગયા હતા. જોે કે, આ ઘટના કયા કારણોસર બની તે અંગે હજી ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સંસ્થાના એક હોદ્દેદારને જમીન બાબતે મઢીના માથાભારે શખ્સ સાથે ઝઘડો ચાલતો હોય જે બાબતે અદાવત રાખી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ માથાભારે શખ્સ અગાઉ પણ આ જ સંસ્થામાં વિવાદ ઊભો કરી ચૂક્યો છે અને જે શખ્સને લઈ મઢી વિસ્તારની શાંતિ અવારનવાર ડહોળાઇ છે. જો કે, હાલ સુધી આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ નથી. જે ઘણુ ખરૂં કહી જાય છે.