અમદાવાદ,તા.૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાણંદ ચોકડીથી ઉપર ઓવરબ્રિજ બનાવવા અનેક મિલકતો કપાતમાં જાય છે અને પ્રજાની સુખાકારી માટે લોકો પણ સાથ સહકાર આપવા તૈયાર છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશન સરકારના આદેશ અને નગર નિયોજકના નકશાને માન્ય રાખ્યા વિના દાદાગીરી કરી તોડફોડ કરતું હોવાથી અનેક મિલકત ધારકોએ વિરોધ નોંધાવ્યો છે અને ઓવરબ્રિજ બનતો હોવાથી મોટા રસ્તાની જરૂર ન હોવાથી વધારાની તોડફોડ ન કરવા તંત્રને વિનંતી કરી છે. સરખેજ-ઓકાફ, ફતેવાડી, મકરબા, ટીપી ૮૬ અને ૯૦, સાણંદ ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવા મંજુરી મળી ગઈ હોવા છતાં ઓવરબ્રિજને ધ્યાનમાં લીધા વગર સર્વિસ રોડ માટે અલગથી ૧ર મીટર ટીપી રોડ રાખી કોમર્શિયલ મિલકતોને તોડવાની કાર્યવાહી શરૂ કરાતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે સામાજિક કાર્યકર અને એડવોકેટ અનિસ દેસાઈએ જણાવ્યું છે કે અગાઉ ડ્રાફટ ટીપી ૯૦ના નકશામાં સાણંદ ચોકડી ઉપર ઓવરબ્રિજ ન હતો. પરંતુ હવે ઓવરબ્રિજનું કામ મંજૂર થવાથી નીચે મોટા રસ્તાની જરૂર રહેતી નથી. આ અંગેની રજૂઆત તેઓએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને પણ કરતા તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટી અને મુખ્ય નગર નિયોજક પાસે આ અંગેનો અહેવાલ મંગાવ્યો હતો. સાથે સાથે અમદાવાદના મ્યુનિ. કમિશનરને ચોકડી નીચે આવતી ટીપીઓમાં સુધારા વધારા થવાના હોવાથી વધારાના સર્વિસ રોડ કે જે ૧ર મીટર છે તેમાં તોડફોડ કરવી નહીં તેવો પત્ર પણ રર જૂન ર૦૧૭ના રોજ લખેલ છે. જેના જવાબમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ તા.ર૯ ઓગસ્ટ ર૦૧૭ના પત્રમાં જણાવ્યું હતું કે અમે ર૩ મીટરનો બ્રિજ બનાવવાના છીએ અને બંને બાજુ ૭પ મીટરનો સર્વિસ રોડ બનાવવાના છીએ અને અમારી પાસે ૬૦ મીટર જગ્યા છે આથી વધારાની જમીનની જરૂર નથી. આમ મુખ્યમંત્રી અને મંત્રીની ભલામણ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જમીનની જરૂર નથી. તેમ જણાવાયું હોવા છતાં કોર્પોરેશનવાળી સરકારનો આદેશ અને નગર નિયોજકના નકશાને માન્ય રાખ્યા વિના જુની ડ્રાફટ સ્કીમ મુજબ તોડફોડ કરવા માગતી હોવાથી તેઓએ આ તોડફોડ ન કરવા વિનંતી કરી છે.