વિશ્વ યોગ દિને વિવિધ રર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયા

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ દ્વારા મુખ્યમંત્રીને પ્રમાણપત્ર અપાયું

(સંવાદદાતા દ્વારા)   ગાંધીનગર,તા.ર૧

ગુજરાતમાં વિશ્વ યોગ દિવસ – ૨૧મી જૂન નિમિત્તે જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે એકજ સ્થાન પર એકી સાથે ૫૪,૫૨૨ લોકોએ યોગ કરીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આજે વહેલી સવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લોકો ઉત્સાહભેર હાજર રહીને સવારે ૫.૦૦ થી ૭.૩૦ કલાક સુધી આસન, પ્રાણાયામ અને યોગ કર્યા હતા.

આ પ્રસંગે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને વર્લ્ડ રેકોર્ડ બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૧ જૂન-૨૦૧૫માં આયુષ મંત્રાલય આયોજિત યોગ કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે ૩૫,૯૮૫ લોકો દ્વારા એક સાથે એક જ સ્થળે યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો.  વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ યોગગુરૂ બાબા રામદેવના સંયુકત ઉપક્રમે અમદાવાદ ખાતે વિવિધ ૨૨ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. જેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન આપવામાં આવ્યું છે.  અમદાવાદના જીએમડીસી ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત જીએમડીસી, એઇએસ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને  યુનિવર્સિટી ગ્રાઉન્ડ એમ કુલ ૫ સ્થાનો પર એક જ સાથે અનેક લોકોએ યોગ કર્યા હતા.