(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના બીજી જૂન શનિવારના હરદોઇના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન જોરદાર તૈયારી કરી રહ્યું છે. તેમના સ્વાગતમાં કાર્યક્રમ સ્થળનો બાથરૂમ પણ ભગવા રંગમાં રંગાઇ ગયો છે. યોગીના આવતા પહેલા જ અધિકારી ઇમ્પ્રેશન બનાવવામાં કોઇ કચાસ બાકી છોડવા માગતા નથી. સીએમનો કાર્યક્રમ જે ઓડિટેરિયમમાં છે ત્યાંના બાથરૂમની ટાઇલ્સને ભગવા રંગમાં રંગી નાખવામાં આવી છે. અગાઉ પણ યોગીનો ભગવા પ્રેમ જોવા મળ્યો છે જ્યારે યુપી સરકારની ઘણી ઓફિસો અને પરિવહનની બસોને ભગવા રંગથી રંગી નાખવામાં આવી હતી. સીએમના કાર્યક્રમે અધિકારીઓની ઉંઘ હરામ કરી નાખી છે. પ્રશાસન કાર્યક્રમના સ્થળને ભગવામય કરવામાં લાગેલું છે. કાર્યક્રમ સ્થળને ભગવામય પડ્‌દાની સાથે વહીવટીતંત્ર સમગ્ર આયોજન સ્થળની સફાઇ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં લાગેલું છે. આખા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પસંગદી અને નાપસંદગીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુંછે. જોકે, કાર્યક્રમ વીઆઇપી ભપકાથી દૂર છે પરંતુ કાર્યક્રમના સ્થળે ગરમીને ધ્યાનમાં રાખીને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગી આશરે ૮ કલાક હરદોઇમાં રોકાશે. યોગી આદિત્યનાથ યાત્રા દરમિયાન૩૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર ૨૧ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરીને તેમને જનતાને સમર્પિત કરશે. જ્યારે ૬ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ અવધ ક્ષેત્રમાં આવતા બધા જિલ્લાના ભાજપા સાંસદો અને ધારાસભ્યો તેમ જ જિલ્લાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેશે. ત્યાર પછી હરદોઇ જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને ભાજપ કોર સંકલન સમિતિની બેઠકમાં સામેલ થશે.