(એજન્સી) તા.૧૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં હૈદરાબાદના એક વ્યક્તિને માર મારી હત્યા કરવા વિશે શુક્રવારે દુઃખ જાહેર કરતાં કહ્યું હતું કે, આ ર૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલાં એક સમાજ તરીકે અમારા સામૂહિક વિક્ષેપમાં ઝેર ઘોળવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું નાપાક ષડયંત્ર છે. ગાંધીએ કહ્યું હતું કે, મોહમ્મદ આઝમના મૃત્યુથી તેમને ઘણો આઘાત લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૩ જુલાઈના દિવસે કર્ણાટકના બિદરમાં આઝમ સાથે મારપીટ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડીયા પર આઝમ બાળક ચોર હોવાની ફેલાયેલી અફવાના કારણે આ દુઃખદ ઘટના બની હતી. કોંગ્રેસ અધ્યક્ષના નિર્દેશ પર તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ આઝમના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત અઢી લાખ રૂપિયા પણ આપ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ એન. ઉત્તમકુમાર રેડ્ડીને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી અફવાને લીધે કોઈ નિર્દોષની જાન લેવાની શક્ય તેટલી કઠોર નિંદા કરવી જોઈએ.’ આ ઉપરાંત રાહુલ ગાંધીએ સ્વામી અગ્નિવેશ સાથે ઝારખંડમાં થયેલી મારપીટ વિશે પણ ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપ કાર્યકરો પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘હું લાઈનમાં સૌથી શક્તિશાળી આગળ ઝૂકી જાઉં છું. એક વ્યક્તિની તાકાત અને સત્તા જ મારા માટે મહત્ત્વપૂર્ણ છે. હું સત્તાની ઊંચ-નીચ જાળવવા માટે ઘૃણા અને ભયનો ઉપયોગ કરૂં છું. હું કમજોર લોકોને શોધી તેમને કચડી નાખું છું. હું બધા જ જીવિત પ્રાણીઓને તેમની ઉપયોગીતાના આધારે સ્થાન આપું છું, હું કોણ છું ?’