(એજન્સી) ધુલે, તા. ૩
મહારાષ્ટ્રના ધુલેના રૈનપાડામાં ગામજનોએ પાંચ ભિક્ષુકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે નવા ખુલાસા થઇ રહ્યા છે. પાંચ અજાણ્યા લોકોને શંકાસ્પદ અવસ્થામાં જોઇ ગામલોકોએ બાળચોરો સમજીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમને પંચાયતના એક રૂમમાં પુરીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમાંથી ત્રણ લોકો જ્યારે મોતને ભેટ્યા તે સમયે પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ ટોળાએ ત્યારબાદ પણ આ બંને લોકોને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બે પોલીસ કર્મી યોગેશ ખટકલ અને રવિન્દ્ર રણધીરે તેમને બચાવવાનો પ્રયાસ કરતા ટોળો તેમને પણ માર માર્યો હતો ત્યારબાદ બે પીડિતોને મૃત્યુ પામ્યા ત્યાં સુધી મારતા રહ્યા હતા. પોલીસકર્મીએ બાદમાં કહ્યું હતું કે, આ લોકો હવે મરી ગયા છે અને તમે તેને દૂર લઇ જઇ શકો છો. પોલીસની ટીમના એક સભ્યે જણાવ્યું હતું કે, તેઓ ૩૫૦૦થી વધુ લોકો હતા જ્યારે અમે ફક્ત આઠ લોકો જ હતા. જ્યારે અમે જોયું કેબે લોકો જીવિત છે ત્યારે અમે આગ્રહ કર્યો કે, તેઓ તેમને હોસ્પિટલમાં લઇ જવા પરવાનગી આપે. જોકે, ટોળું તેઓ મરી ગયા ત્યાં સુધી તેમને માર મારતુ રહ્યું હતું. પોલીસે આ ઘટનામાં ૨૩ લોકોની ધરપકડ કરી છે. પણ પોલીસ કાર્યવાહીના ડરે ગામલોકો અહીથી પલાયન થઇ ગયા છે. પોલીસે એમ પણ કહ્યું કે, બાળકો ચોરી થવાની અફવાઓ ફેલાતી હોવા અંગે અમે ગ્રામ પંચાયતના સભ્યોને માહિતગાર કર્યા હતા. આ ઘટનાના એક દિવસ પહેલા ઔરંગાબાદ અને નંદૂરબારમાંથી પણ આવી ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસે સ્થાનિક કેબલ ટીવી પર સલાહકારી પ્રસારિત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, લોકો આ અફવાઓનો શિકાર ન બને. જોકે, ટોળાએ તેની ધરાર અવગણના કરી હતી. મોતને ભેટેલા પાંચેય લોકો પોલીસમાં નોંધાયેલા હતા અને તેમની પાસે કાયદેસરના આધારકાર્ડ પણ હતા.