માંગરોળ,તા.૧પ
માંગરોળ તાલુકાના વેલાવી (વાંકલ) ગામે ગુજરાત સરકારનાં આદિજાતિ વિભાગ દ્વારા કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા કેટલાક છાત્રો દ્વારા માંગરોળ-ઝંખવાવ, રાજ્ય ધોરી માર્ગ પર હોસ્ટેલ અને કોલેજની સામેથી પસાર થતા આ માર્ગ ઉપર પથ્થરો મૂકી અડચણ ઊભી કરી ચક્કાજામ કર્યો હતો. એકાએક ચક્કાજામ કરાતા તાલીમમાં આવનારા કર્મચારીઓ માર્ગ ઉપર ફસાઈ ગયા હતા. આ કર્મચારીઓએ મદદનીશ ચૂંટણી અધિકારી તથા નાયબ કલેક્ટર અને પ્રાંતઅધિકારીને જાણ કરતા એમણે ત્વરીત આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરતા પી.એસ.આઈ. વી.કે. દેસાઈ પોલીસ જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ અને છાત્રો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. પરિણામે ઉશ્કેરાયેલ છાત્રોએ પોલીસ તથા પોલીસજીપ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં જીપ નંબર જીજે પ જીવી ૦ર૧૮નો આગળનો કાચ, ડ્રાઈવર સાઈડનો કાચ અને સાઈડનો ગ્લાસ તોડી નાંખેલ છે. આ સમયે ફરજ ઉપરનાં વુમેન પો.કો. વર્ષાબેન કિશનભાઈને જમણા હાથે, કોણીનાં ભાગે ઈજા, પી.એસ.આઈ.ને જમણા હાથે, કોણીનાં નીચેના ભાગે અને પીઠનાં ભાગે ઈજા તદ્‌ઉપરાંત અન્ય જવાનો અમીત નવીન, ચિંતન જયંતિ ગામીત, રવિન્દ્ર નારસીંગ વસાવા, એ.એસ.આઈ. જયપાલસિંહ, પરેશભાઈ મથુરભાઈ, રવિન્દ્રભાઈ નારસિંગ, નિલેશભાઈ ચંદુભાઈ, અનીલભાઈ દિવાનસિંહ વગેરેઓને છૂટા પથ્થરો મારી તથા છુટા હાથની મારામારીથી ઈજાઓ પહોંચાડેલ છે. જ્યારે પો.કો. પરેશભાઈ મથુરભાઈની મોટરસાયકલને પણ નુકસાન કર્યું છે. ઈજાગ્રસ્ત પી.એસ.આઈ. તથા જવાનોને ઝંખવાવ સરકારી રેફરલ હોસ્પિટલ તથા માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવના ઘટનાસ્થળે સુરતના ડી.વાય.એસ.પી. જાડેજા પણ દોડી આવ્યા હતા.
ઉપરોક્ત વિગતો વાળી ફરિયાદ પથ્થરમારાનો ભોગ બનેલા અ.હે.કોસ્ટેબલ અમીત નવીનભાઈએ માંગરોળ પોલીસ મથકે આપતા માંગરોળનાં પી.એસ.આઈ. વી.કે. દેસાઈએ રર છાત્રો સહિત પ૦થી ૬૦નાં ટોળા સામે એફ.આઈ.આર. દાખલ કરી છે.
આ બનાવની તટસ્થ તપાસ થાય એ માટે સુરતનાં જિલ્લા પોલીસ વડાએ ઓલપાડ પોલીસ મથકે ફરજ બજાવતા અને અગાઉ માંગરોળ પોલીસ મથકે ફરજ બજાવી ગયેલા નવયુવાન પી.એસ.આઈ એસ.એલ. વસાવાને તપાસ આપવામાં આવી છે. તપાસનો આદેશ મળતાં જ પી.એસ.આઈ. એસ.એલ. વસાવા આજે સવારે માંગરોળ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને એફ.આઈ.આર સહિતના કાગળોની ફાઈલ લઈ તપાસ ધમધમાટ શરૂ કરી છે.