(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ટોળાકીય હત્યાઓ વિરૂદ્ધ અને કોમી એખલાસ જાળવવાના સંદેશનો પ્રચાર કરવા ૧૦૦ જેટલા યુવકોએ મોટરસાયકલથી રેલી કાઢી હતી. દિલ્હીથી હરિયાણાના મેવાત ખાતે રેલી પહોંચશે. ‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ’, ‘નફરત સામે એકતા’ના બેનર તળે નીકળેલ આ રેલીને અમુક નેતાઓ, કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓની હાજરીમાં મંડી હાઉસથી રવાના કરાઈ હતી. આ પ્રસંગે જેડીયુના વરિષ્ઠ નેતા અલી અનવર અન્સારી, આરજેડીના પ્રવકતા મનોજ ઝા, સ્વરાજ અભિયાનના પ્રમુખ યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર હર્ષ મંદર અને સ્વામી અગ્નિવેશ અને જેએનયુના પ્રોફેસર નિવેર્દિતા મેનન હાજર રહ્યા હતા. આયોજન દળના સભ્ય મિશન હૈદરે જણાવ્યું કે એખલાસ અને ન્યાયમાં વિશ્વાસ રાખનારાઓ બધાને આ અભિયાનમાં જોડાવા નિમંત્રણ અપાયું હતું. અમારો સંબંધ કોઈપણ રાજકીય પક્ષ સાથે નથી. રેલી બાબત માહિતી આપતા મીરાએ જણાવ્યું કે રેલી મેવાતના નૂહમાં પૂર્ણ થશે જ્યાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. રસ્તામાં બાઈક સવારો પત્રિકાઓ વહેંચશે, કાર્યકર્તાઓ શેરી નાટકો ભજવશે અને માનવ અધિકારો વિશે જાગૃત્તા ફેલાવશે. એમને પૂછાયું કે, તમે મેવાતની જ પસંદગી કેમ કરી એ માટે એમણે કહ્યું કે ત્યાંથી ટોળાકીય હત્યાઓની ઘટનાઓ વધુ બની હતી. હાજર રહેલ નેતાઓએ લોકોને રાજકીય ભાવનાઓથી ઉપર આવવા અપીલ કરી અને કહ્યું આ પ્રકારની ઘટનાઓ કોમી ધ્રુવીકરણ ઊભો કરવા માટે કરાઈ રહી છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે રાજકીય લાભ માટે બિનસાંપ્રદાયિકતા ખતમ કરવાની પરવાનગી ન આપી શકાય.