(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૫
પ્રતાપ ટોકીઝ સામે આમલેટની લારી નજીક પાનનાં ગલ્લે થયેલા ઝઘડાની અદાવત રાખી લાકડી દંડા સાથે ધસી આવેલા ટોળાંએ આમલેટની લારી પાસે નાસ્તો કરતા યુવાનો પર હુમલો કરતા ભાગદોડ મચી હતી. નાસ્તો કરતા બે યુવાનોને ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા મધર સ્કુલ સામે પવિત્રકુંજમાં રહેતા વિશાલ જયંતિભાઇ ખારવાને ત્યાં ફોઇનો પુત્ર રૂપેશ મફતભાઇ માછી (રહે. નવીનગરી, પાલેજ) પત્ની અંજલિ તથા અરૂણ ઠાકોર ગત તા.૪થીના રોજ કપડાની ખરીદી કરવા વડોદરા આવ્યા હતા. મંગળબજાર પ્રતાપ ટોકીઝ વિસ્તારમાંથી ખરીદ કર્યા બાદ આમલેટની લારી પર નાસ્તો કરવા વિશાલ ખારવા પત્ની અંજલિ તથા પાલેજના બંન્ને શખ્સો બેઠા હતા. આમલેટની લારી નજીક આવેલા પાનનાં ગલ્લે બોલાચાલી થયા બાદ માણસો વિખરાઇ ગયા હતા. થોડીવાર પછી સુરસાગર તરફથી આઠ થી દસ માણસોનું ટોળુ અચાનક આમલેટની લારી પર ધસી આવ્યું હતું.
ત્યારબાદ લાકડાના દંડ વડે હુમલો કરતા વિશાલ ખારવાના માથાના ભાગે ઇજા પહોંચી હતી. હુમલાના બનાવને પગલે ભાગદોડ મચી હતી. ટોળા પૈકીના અન્ય એક સાગરીતે કાંચની બોટલ મારી દેતા રૂપેશ માછીને ઇજા થઇ હતી. ગદડાપાટુનો માર માર્યા બાદ હુમલાવરો નાસી છુટવાનો પ્રયાસ કરે તે પૂર્વે એક સાગરિતને દબોચી લેવામાં આવ્યો હતો. શહેર પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. સંદેશો મળતા રાવપુરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લોહી નિગળતી હાલતમાં વિશાલ ખારવાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ધર્મેશ કહારની ધરપકડ કરી હતી.