(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
ગતરોજ ગણપતિ વિસર્જન દરમિયાન ડક્કા ઓવારા પાસે ટેમ્પો આગળ લેવા બાબતે ૨૫થી ૩૦ જણાંના ટોળાએ હુમલો કરતા સાત જણાંને ઈજા થઈ હતી. અઠવા પોલીસે ટોળાની સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગલેમંડી કુંભાર શેરીમાં રહેતા જયનાબેન ચંદ્રેશભાઈ રાણાએ આપેલી ફરિયાદ મુજબ ફરિયાદીના મહોલ્લાના ગણપતિ વિસર્જન કરી ડક્કા ઓવારા કસ્ટમ ઓફિસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટેમ્પો આગળ લેવા બાબતે બોલાચાલી થતા ૨૫થી ૩૦ જણાના ટોળાએ કલ્પેશભાઈ ધનસુખભાઈ રાણા, કશીલાબેન પ્રકાશભાઈ, ખુશ્બુબેન જયેશભાઈ, રાજુભાઈ રાણા, જતિન પ્રવીણચંદ્ર, ભીખીબેન રાણા, મનીષ ઉર્ફે મોહનભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હતા. આ બનાવમાં કલ્પેશને વધુ ઈજા થઈ હતી. તેમજ કલ્પેશભાઈની સોનાની ચેઈન, હાથનું કડુ તથા મનિષ ભાઈનો મોબાઈલ ફોન પડી ગયો હતો. અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.