જામનગર, તા.૨૪
જામનગરના સિક્કામાં જીએસએફસી કંપની દ્વારા નવો પ્લાન્ટ શરૂ કરવા માટે અઢી કિમી લાંબી કમ્પાઉન્ડ વોલ બાંધવાનું શરૂ થયું છે. તેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યા પછી બાંધકામના સ્થળે ધસી આવેલા સિક્કાના ગ્રામજનોના ટોળાએ બાંધકામ અટકાવી હલ્લો મચાવતા એસડીએમ તથા પોલીસ કાફલો દોડ્યા હતા. આ વેળાએ બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો કરતા એસડીએમ તેમજ બે મહિલા અને એક પુરૂષ પોલીસકર્મીને પથ્થર વાગ્યા છે. ટોળાએ ત્રણ સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતાં. પરિસ્થિતિને અંકુશમાં લાવવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટોળામાંથી ૧૯ વ્યક્તિઓને ઓળખી કાઢી તેઓને નામજોગ હત્યાપ્રયાસ, રાયોટીંગ, પૂર્વયોજીત કાવતરૂ વગેરે કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જ્યારે કુલ ર૦૦ સામે ઉપરોક્ત ગુનો નોંધાયો છે.
જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ગુજરાત રાજ્ય ફર્ટીલાઈઝર કોર્પોરેશન દ્વારા સિક્કાના નાગાણી પીરની દરગાહથી પોલીસ ચોકી સુધીના વિસ્તારમાં સિક્કા નગરપાલિકા પાસેથી મંજૂરી મેળવી અઢી કિલોમીટર લાંબી દીવાલ ઊભી કરવામાં આવી રહી છે. આ જગ્યામાં નવો પ્લાન્ટ શરૂ કરવા માટે કંપની દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે જેની સામે સિક્કાના ગ્રામજનોએ વિરોધ દાખવ્યો હતો.
સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસરે ગઈ તા.૧૮ જૂન ૨૦૧૯ના દિને જીએસએફસી દ્વારા આ સ્થળે દીવાલ ઊભી કરવા માટે માંગવામાં આવેલી મંજૂરીને અઢાર શરતો રાખી મંજૂરી આપી હતી. ત્યાર પછી નગરપાલિકાની ચૂંટાયેલી બોડીએ ગયા મહિનાના અંતમાં મળેલી બેઠકમાં મંજૂરી રદ કરતો ઠરાવ સર્વાનુમત્તે પસાર કર્યો હતો. તેમ છતાં જીએસએફસી દ્વારા ત્યાં દીવાલ ઊભી કરવાનું શરૂ કરી દેવાતા વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને સિક્કાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ તે દીવાલ ઊભી થઈ જાય તો મોટીખાવડી તરફથી આવતા વરસાદી પાણીનો નિકાલ રોકાઈ જાય તેમ છે તેથી આ સ્થળે દીવાલ ન કરવી જોઈએ.
જીએસએફસી કંપની તથા ગ્રામજનો વચ્ચે ડખ્ખાનું કારણ બનનાર અઢી કિલોમીટર લાંબી દીવાલના મુદ્દે અગાઉ મંત્રણા થઈ હતી. પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો. સિક્કા ગ્રામ પંચાયતે દીવાલનું બાંધકામ નહીં કરવા જીએસએફસી તેમજ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું હતું. તેમ છતાં બાંધકામ શરૂ કરાતા વિવાદ વકર્યો હતો. બાંધકામ સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવવા તજવીજ કરાતી હતી તેમ છતાં કંપની દ્વારા બાંધકામ યથાવત્‌ રખાતા મામલો કાબૂ બહાર ગયો હતો.
એસડીએમ તથા પોલીસે કાફલા પર થયેલા પથ્થરમારા અંગે જીએસએફસીની ટાઉનશીપમાં રહેતા કંપનીના કર્મચારી દિલીપભાઈ કાન્તિલાલ ગાંધીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી-પુરૂષોના ૨૦૦ વ્યક્તિના ટોળાએ જીએસએફસી કંપનીના માલિકીની સર્વે નં. ૧૬૭ પૈકી ૧ તથા ૨માં બાંધવામાં આવતી કમ્પાઉન્ડ વોલના સ્થળે ધસી આવી પૂર્વયોજીત કાવતરા મુજબ કામ બંધ કરાવી ફરજમાં રૂકાવટ કરી હતી. તે પછી ફરીથી કામ શરૂ કરાતા આ લોકોને પૂરા કરી દેવા છે તેમ બોલી, સૂત્રચ્ચાર કરી પોલીસ, રેવન્યુ તથા જીએસએફસીના કર્મચારી પર પથ્થરમારો કરી તેઓને ઈજા પહોંચાડી સરકારી વાહનોમાં નુકસાની કરી હતી. પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી), પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો છે.