(એજન્સી) તા.૧પ
એવું જણાય છે કે ગૌરક્ષાના નામે મુસ્લિમોની ટોળાઓ દ્વારા થતી હત્યાઓ બંધ થવાના બદલે વધતી જાય છે. ક્યાંય અટકવાનું નામ જ નથી લેતી. એક અન્ય ઘટનામાં કહેવાતા ગૌરક્ષકોએ બે વ્યક્તિઓને પશુઓની ચોરીની શંકાથી મૂઢ મારી મૃત્યુ નિપજાવ્યું.
ઝારખંડના ગોડ્ડા જિલ્લાના તલઝારી ગામમાં ટોળાએ બે વ્યક્તિઓની હત્યા કરી. આ ઘટના ૧૩મી મે એ સવારે બની હતી. પોલીસે જણાવ્યું કેે પીડિતોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાંથી એક ૩પ વર્ષીય જીરાફુદ્દીન અન્સારી છે અને બીજો એમનો નાનો ભાઈ મુર્તઝા મિયાં છે. પોલીસના જણાવ્યા મુજબ બંને ભાઈઓને ગોડ્ડાના બન્તકટ્ટી ગામ પાસે બળદોની ચોરી કરતા ઝડપવામાં આવ્યા હતા. તેથી ગામના લોકો ભેગા થઈ ગયા હતા. એ ટોળાએ બંનેને મૂઢ માર મારતા બંનેનું સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. જો કે પીડિતોના પિતાએ કહ્યું કે એ પશુઓનો વેપાર કરે છે.
પોલીસે જણાવ્યું કે સ્થાનિકોએ ૧૩ બળદોને બચાવ્યા હતા અને બે વ્યક્તિઓની હત્યા કરી હતી. હત્યાના સંદર્ભે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. બે જુદી જુદી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક હત્યાની અને બીજી બળદો ચોરવાની.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના લીધે બધા લોકોમાં સરકાર પ્રત્યે રોષ ફેલાયો છે. લોકો ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર ટોળાકીય હત્યાઓ બદલ આક્ષેપો મૂકી રહ્યા છે.
ટોળાકીય શાસન ત્યારે સ્થાપિત થાય છે જ્યારે લોકોનું સ્થાપિત થયેલ ન્યાયિક અને વહીવટી સંસ્થાઓમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. ભારતમાં આ પ્રકારની હત્યાઓની જે પરંપરા ફેલાઈ છે એ ચિંતાજનક છે. જેમાં એક જ કોમને લક્ષ્ય બનાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય એક કોમનો બીજી કોમ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે.
ઝારખંડમાં થયેલ હત્યાઓ ટોળાકીય હત્યાની આ વધુ એક ઘટના છે. એક અઠવાડિયા પહેલાં આસામમાં ટોળા દ્વારા બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. બાળકોની ચોરીની અફવા ફેલાઈ હતી જેના પગલે આ હત્યા થઈ હતી.
આ જ પ્રકારની ઘટનાઓ મે મહિનામાં તેલંગાણાના અને કર્ણાટકમાં થઈ હતી. જેમાં ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓની હત્યા કરાઈ હતી.
માર્ચ મહિનામાં ઝારખંડની કોર્ટે સ્થાનિક ભાજપ કાર્યકર્તા અને અન્ય ૧૦ વ્યક્તિઓને મુસ્લિમ વેપારીની હત્યા બદલ દોષી જાહેર કર્યા હતા. એમણે પપ વર્ષીય વ્યક્તિની બીફની શંકા હોવાના લીધે હત્યા કરી હતી.