(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
વેડરોડ પંડોળ ખાતે માથાભારે સમીર માંડવા અને તેના બે ભાઇઓએ મળી રિક્ષા ચાલકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખતાં ચકચાર મચી જવા પામી છે.
વેડરોડના મુસીબતપુરા ખાતે ગુલામ મોહમ્મદ હુસેન શેખ પરિવાર સાથે રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરૂવારે મોડી સાંજે ગુલામ શેખ જીલાની બ્રિજ પાસે ઊભો હતો. તે દરમ્યાન ભરીમાતા રોડ પર રહેતો માથાભારે સમીર ઉર્ફે સલીમ પઠાણ ઉર્ફે સલીમ માંડવા અને તેના બે ભાઇ શેખ મુનાફ ગ્યાસુદ્દીન તેમજ અરસદ પઠાણ સહિત ૧૦-૧૨ના ટોળાએ બંને યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલક ગુલામ મોહમ્મદ હુસેન શેખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે જાવિદને ગંભીર ઈજા પહોંચી છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષા ચાલકની હત્યા બકરી કેબલનો વાયર ચાવી જવાના મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. આ હત્યામાં સમીર માંડવા તેમજ મુનાફ શેખની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.