મેલબર્ન, તા.૧૯
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની અબોટે એક મલેશિયનાના ગુમ થયેલા મુસાફરો ભરેલા વિમાનને લઈને હચમચાવી નાખે તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મલેશિયાના વિમાન એમએચ-૩૭૦ વિમાનના પાઈલટે જાણી જોઈને તેને ગાયબ કરી નાખ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે, કપ્તાન આત્મઘાતી હતો જેને ફ્લાઈટમાં સવાર તમામ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જો કે ટોની અબોટે આ દાવાને સાબિત્‌ કરી શકે તેવા કોઈ જ પુરાવા રજુ કર્યા નહોતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાને આ દાવો મલેશિયાના ટોપ લેવલના અધિકારીઓને ટાંકીને કર્યો હતો. મલેશિયાની એરલાઈન એમએચ-૩૭૦ માર્ચ ૮, ૨૦૧૪ના રોજ ગાયબ થઈ ગઈ હતી. જેમાં ૨૩૯ લોકો સવાર હતાં. જેમાં મોટા ભાગના ચીનના મુસાફરો હતા જે કુઆલાલુમ્પુરથી બેઈજીંગ જઈ રહ્યાં હતાં. હિંદ મહાસાગરમાં લગભગ ૧.૨૦ લાખ ચોરસ કિલોમીટરમાં દિવસ રાત મહિનાઓ સુધી અનેક દેશો દ્વારા તપાસ ચલાવ્યા બાદ પણ આ વિમાનનો કોઈ જ અતોપતો હાથ લાગ્યો નહોતો. આ સર્ચ અભિયાન ત્રણ વર્ષ સુધી ૨૦૧૭ સુધી ચલાવવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીની એવિએશન ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન છે. પરંતુ હજી સુધી આ જહાંજનો કોઈ જ અતોપતો લાગ્યો નથી.
આ વિમાન ગાયબ થવા પાછળ અનેક થિયરી સામે આવી હતી. હવે વિમાનના પાયલટ જહારી અહમદ શાહને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટૉની અબોટે જે થિયરી રજુ કરી છે તેને લઈને સૌકોઈ હેરાન છે.
એક ડોક્યૂમેન્ટ્રી સાથેની વાતચીતમાં ઍબોટે કહ્યું હતું કે, તેમને મલેશિયાનું વિમાન ગાયબ થયાના એક મહિનાની અંદર જ એ જણાવી દેવામાં આવ્યું હતું કે, સંભવતઃ આ વિમાનને ખુદ તેના પાયલટે જ જાણી જોઈને ડુબાડી દીધું હતું. મલેશિયાની સરકારના ટોચના લેવલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાયલટે આત્મહત્યા કરી અને સાથો સાથ વિમાનમાં સવાર તમામ મુસાફરોના નરસંહારાનું પણ કારણ બન્યો.