અમદાવાદ,તા.૧
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશને પગલે શહેરભરમાં રોડ પર કરાતાં વાહનોનાં આડેધડ પાર્કિંગને મુદ્દે તંત્ર દ્વારા કડક સીલીંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. આ ઝુંબેશ હેઠળ આજે સવારે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ અમરાઇવાડી ખાતે આવેલી ટોરેન્ટ પાવરની ચાલુ ઓફિસને સીલ મારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી અને લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં.શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ થતો હોઇ કલાકો સુધી વાહનચાલકો અટવાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ હાઇકોર્ટની લાલ આંખને પગલે હરકતમાં આવ્યા છે. જેમાં રોડ પર કરાતાં વાહનોનાં આડેધડ પાર્કિંગ વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર નહેરાના કડક આદેશથી તંત્ર દ્વારા શહેરભરમાં સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ છે.
આ સીલિંગ ઝુંબેશના ભાગરૂપે આજે સવારે પૂર્વ ઝોનના અમરાઇવાડી વોર્ડમાં આવેલી ટોરેન્ટ પાવરની ઓફિસમાં એસ્ટેટ વિભાગની ટીમ ત્રાટકી હતી. ટોરેન્ટ પાવરના સ્ટાફ તેમજ અન્ય મુલાકાતીઓનાં વાહન રોડ પર પાર્ક કરાતાં હતાં તેમજ મેટ્રો રેલના કામકાજથી સાંકડા થયેલા રોડનો ટ્રાફિક આ રીતે પાર્ક કરાતાં વાહનોથી વધુ અડચણરૂપ બનતો હતો. જેને કારણે આજે સવારે આઠ વાગ્યે એસ્ટેટ વિભાગ દ્વારા ટોરેન્ટ પાવરની ચાલુ ઓફિસને તાળાં મારી દેવાતાં અંદર કર્મચારીઓ પુરાયા હતા.
આ અંગે પૂર્વ ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ તડવીને પૂછતાં તેઓ કહે છે અમારી સીલિંગ ઝુંબેશની કામગીરીમાં એક પણ કર્મચારી અંદર પુરાયા નથી તે માત્ર અફવા જ હતી. જોકે ટોરેન્ટ પાવર કંપનીએ પાર્કિંગના મામલે બાંયધરી આપતાં દોઢ કલાક બાદ સીલ ખોલી દેવાયું હતું.