અમદાવાદ,તા. ૨૨
શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ટોરન્ટ પાવરમાંથી આવું છું એમ કહી એક ગઠિયો ઓફિસમાંથી રૂ.૬૨ હજારની રકમ સેરવી રફુચક્કર થઇ ગયો હતો. આ બનાવ અંગે ઓફિસના માલિકે અમરાઇવાડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, ઇસનપુર વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે રહેતા ભાવેશભાઇ હાટકેશ્વર વિસ્તારમાં તેજેન્દ્ર કોમ્પલેક્ષમાં પોતાની ઓફિસ ધરાવે છે. ગઇકાલે ભાવેશભાઇની ઓફિસમાં સફાઇ કરવા આવતા બહેન સફાઇ કરી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યો શખ્સ ઓફિસમાં પ્રવેશ્યો હતો અને સફાઇ કરતાં બહેનને જણાવ્યું હતું કે, હું ટોરન્ટ પાવરમાંથી આવું છું..સફાઇ કરનાર બહેન તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે આવનાર શખ્સે તેમની નજર ચૂકવી ઓફિસના ડ્રોઅરમાંથી રૂ.૬૨ હજારની રકમ કાઢી લઇ રફુચક્કર થઇ ગયો હતો. બાદમાં ભાવેશભાઇ ઓફિસ આવ્યા અને ડ્રોઅરમાં જોયું તો, પૈસા ન હતા. જેથી તેમણે સફાઇ કરનાર બહેનને પૂછતાં તેણીએ જણાવ્યું કે, કોઇ શખ્સ ટોરન્ટ પાવરમાંથી આવું છું એમ કહી ઓફિસમાં પ્રવેશ્યો હતો. જેથી ભાવેશભાઇને સમગ્ર વાતનો ખ્યાલ આવી જતાં તેમણે અમરાઇવાડી પોલીસમથકમાં આ ગઠિયા આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.