અમદાવાદ,તા.૧૭
શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટના સખત વલણ બાદ શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરી નો-પાર્કિંગમાં અને આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિકની સમસ્યાને થોડી ઘણી હળવી કરી દીધી હતી, પરંતુ આટલી કાર્યવાહી અને પોલીસના કડક વલણ છતાં ન સુધારનારી અમદાવાદી પ્રજા માટે હવે ફરી એક વાર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
આજે સવારથી જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. ફૂટપાથ પર દબાણ દૂર કરવાનું, રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને નો-પાર્કિંગ ઝોનમાં વાહન મૂકનાર વાહનચાલકોના વાહનો ડિટેન કરી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસકર્મીઓએ અલગ અલગ વિસ્તારમાં ૧૦૦થી વધુ વાહનચાલકો સામે દંડની અને ડિટેનની તેમજ અનેક લારી-ગલ્લાના દબાણો દૂર કર્યાં હતાં.
રોડ પર આડેધડ પાર્કિંગ, પાર્કિંગ હોવા છતાં તેઓ ઉપયોગ ના કરનાર લોકો, ફૂટપાથ પર દબાણ કરનારા અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી હજારોની સંખ્યામાં કેસ કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
પોલીસની કડક કાર્યવાહી અને અવેરનેસ છતાં ફરી અમદાવાદી પ્રજાએ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ફરીથી રોડ પર લારી-ગલ્લાના દબાણો ઊભા થઇ ગયા છે. એક વખત ટ્રાફિક પોલીસની ઝુંબેશ બાદ ફરી લોકોએ દબાણ અને આડેધડ પાર્કિંગ કરતાં પોલીસે ફરી ત્રાટકી છે.
રપ ક્રેન અને દરેક પીઆઇ અને પીએસઆઇની સાથે અલગ અલગ વિસ્તારોમાં દસ-દસ ટીમો બનાવી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે અનેક લારી-ગલ્લાના દબાણો દૂર કરાવ્યા હતા તેમજ રોડ પર વાહન પાર્ક કરીને જતા વાહનચાલકના વાહન ડિટેન કર્યા હતા.