(એજન્સી) ખતોલી, તા. ૨૦
યુપીના મુઝફફરનગરના ખતોલી નજીક ઉત્કલ એક્સપ્રેક્ષ દુર્ઘટનાગ્રસ્ત બન્યાંના એક દિવસ બાદ એક ઓડિયો ક્લીપ બહાર આવી છે જેમાં રેલવે વિભાગની બેદરકારી ખુલ્લી પડી છે. ઉત્કલ ટ્રેન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવી, પાટાનો ભાગ કપાયો છતાં વેલ્ડિંગ ન થયું. ઘટનાસ્થળે તૈનાત એક ગેટમેન અને રેલવે કર્મચારી વચ્ચેની ઓડિયો ક્લીપમાં રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગેટમેનને એવું કહેતાં સાંભળી શકાય છે કે દુર્ઘટનાવાળા પાટા તૂટેલા છે. ટ્રેન પસાર થતાં પહેલા ત્યાં મરામત કામ ચાલી રહ્યું હતું તેમ છતાં પણ ઉત્કલ એક્ષપ્રેક્ષને સિગ્નલ આપવામાં આવ્યું હતું. ઓડિયો ક્લીપમાં ગેટમેને એવો આક્ષેપ કર્યો હતો કે દુર્ઘટનાગ્રસ્ત જગ્યાએ પાટા તૂટેલા હતા, તેનું વેલ્ડિંગ નહોતું કરવામાં આવ્યું. જોકે આ કર્મચારીઓ વચ્ચેની વાતચીત અનૌપચારિક છે પરંતુ તેનાથી રેલવેની લાપરવાહીની પોલ ખૂલી છે. બહાર આવેલી ક્લીપ પર રેલવે અધિકારીઓએ એવું કહ્યું કે ઓડિયો ક્લીપની તપાસ કરવામાં આવશે અને દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરવામાં આવી નથી. એવું પણ બહાર આવ્યું છે કે સ્ટેશન માસ્તરને પાટાના સમારકામની કોઈ માહિતી નહોતી. દુર્ઘટનાગ્રસ્ત જગ્યાએ પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું તે અંગેની કોઈ માહિતી તેમની નહોતી. પ્રાથમિક તપાસમાં એવી વાત પણ બહાર આવી હતી કે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું. પાટાનો કેટલોક ભાગને તોડી નાખવામાં આવ્યો હોવા છતાં પણ તેનું વેલ્ડીંગ કરવામાં આવ્યું નહોતું. ઉત્તર રેલવેના જનરલ મેનેજર રાજીવ કુલક્ષેત્રે એવું જણાવ્યું કે મેં ઓડિયો ક્લીપ વિશે સાંભળ્યું છે જો જરૂર પડશે તો તપાસનીશ એજન્સીઓ દ્વારા આ ઓડિયો ક્લીપની ચકાસણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઓડિયો ક્લીપને પુરાવા તરીકે લઈ શકાય કે નહીં તે ધ્યાનમાં લેવામાં આવશે.
ટ્રેન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં જ ઘોર બેદરકારીનો સંકેત, પાટાનો ભાગ કપાયો છતાં વેલ્ડિંગ કરાયું નહોતું, ઓડિયો ક્લિપમાં દાવો

Recent Comments