ગ્વાલિયર,તા.ર૧
મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જતી આંધ્રપ્રદેશ એક્સપ્રેસના બે કોચમાં સોમવારે અચાનક આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગતા રેલવે અધિકારીઓ દ્વારા તમામ મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ગ્વાલિયરથી થોડાક કિલોમીટર દૂર બિરલાનગર રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. જ્યા ટ્રેનને રોકીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સંપૂર્ણ એર કન્ડિશન્ડ રાજધાની એક્સપ્રેસના બે કોચ બી-૬ અને બી-૭માં ભીષણ આગ લાગી હતી એમ ઉત્તર કેન્દ્રીય રેલવેના સીપીઆરઓ ગૌરવ ક્રિષ્ન બંસલે જણાવ્યું હતું. રેલવે પીઆરઓ મનોજ કુમારે કહ્યું કે ટ્રેનમાં હાઈટેન્શન વાયર ફેલ થવાના પરિણામ સ્વરૂપ બે કોચમાં આગ શરૂ થઈ હતી. ડીએસપી નવનીત ભસીને જણાવ્યું કે આગને કારણે બે કોચને નુકસાન થયું છે. જાનહાનિના કોઈ અહેવાલ નથી. કેટલાક મુસાફરો ટ્રેનમાં આગ લાગતા કૂદી પડ્યા બાદ ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી મુજબ આગ અંગેનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.