ગાંધીનગર,તા.૧૯
બાંદ્રાથી ચંડીગઢ જતી ટ્રેનમાં લૂંટારાએ ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓને ધમકાવી દિલધડક લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર નજીક રેલવેમાં લૂંટારુઓ ચેઈન પુલિંગ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં બે મહિલાઓ સાથે ચેનસ્નેચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે કુલ ત્રણ લૂંટનો ભોગ બન્યા હતા.
પાલનપુર નજીક મોડી રાત્રે બાંદ્રાથી ચંડીગઢ જતી ૨૨૪૫૧ ટ્રેનમાંના એસ-૫ અને એસ-૬ કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી, અને લૂંટ ચલાવી હતી.લૂંટારુઓએ ટ્રેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે ચેનસ્નેચિંગ પણ કર્યુ હતું. લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. અહેવાલ મુજબ લૂંટની ઘટના બાદ અંદાજે દોઢ કલાક સુધી મુસાફરો પાલનપુર નજીક અટવાયા હતા.
આ ઘટનાની જાણ થતા જ GRPF અને RPF પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનમાંના કોચની તપાસ કરતા મુંબઈ, ગાંધીનગર અને સુરતના ત્રણ મુસાફરો લૂંટાયા હોવાની માહિતી મળી હતી.
રેલવેમાં બનેલી લૂંટની આ ઘટનામાં મુંબઈના પીડિત મુસાફર શાંતિલાલે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત અન્ય મુસાફરો પણ ફરિયાદ કરવા માટે પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેનને દોઢ કલાક બાદ ચંદીગઢ જવા રવાના કરવામાં આવી હતી.
પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં લૂંટ, ગાંધીનગર અને સુરતના મુસાફરો લૂંટાયા

Recent Comments