(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
શહેરના ઉધના રેલવે યાર્ડ પર ખાલી ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ઉધના રેલવે યાર્ડમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રેલવે યાર્ડમાં એક ખાલી ટ્રેનના છેલ્લા ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ આખા ડબ્બામાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. છેલ્લા ડબ્બામાં આગ લાગી હોવાથી ટ્રેનના અન્ય ડબ્બાઓને આગવાળા ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ખાલી ટ્રેન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. અને હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.