(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૮
વહેલી સવારે રતલામ ડિવીઝનનાં મેઘનગર ત્રિવેન્દ્રમ-રાજધાની એકસપ્રેસ ટ્રેનનાં બે કોચ સાથે ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતને પગલે દિલ્હી-મુંબઇ વચ્ચેનાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. જેના પગલે વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનો મોડી પડતાં હજારો મુસાફરો અટવાયા હતા. જોકે, રેલ્વે તંત્રની કામગીરી બાદ ટ્રેન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, ત્રિવેન્દ્રમથી દિલ્હી તરફ જતી ત્રિવેન્દ્રમ-રાજધાની એકસપ્રેસ વહેલી સવારે મેઘનગર પાસેથી પસાર થતી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક ગેટનું લાકડું તોડી રાજધાની એકસપ્રેસના બે કોચ સાથે ભટકાતા બંને કોચ પાટા પરથી ખરી પડયા હતા. ટ્રેનનાં ડ્રાયવરે સમય સુચકતા દાખવી ટ્રેન થોભાવી દેતા બંને કોચનાં મુસાફરોનો બચાવ થયો હતો.
અકસ્માત અંગેની માહિતી મળતા જ રેલ્વેનાં ઉચ્ચઅધિકારીઓ તથા ટેકનિકલ સ્ટાફ સ્થળ પણ દોડી ગયા હતા. અકસ્માતને પગલે મુંબઇથી દિલ્હી તરફ જતાં રેલ્વે વ્યવહાર અસર પહોંચી હતી. સવારે અપલાઇનનો ટ્રેક ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમજ વડોદરાથી ગોધરા તથા દાહોદ તરફ જતી તમામ ટ્રેનોને વડોદરા તથા આગળનાં સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યો હતો. જ્યારે બપોર સુધી ડાઉન લાઇનનો ટ્રેક બંધ થતા વડોદરા રેલ્વે સ્ટેશને ટ્રેનો મોડી પહોંચતા હજારો મુસાફરો અટવાયા હતા.
પશ્ચિમ રેલ્વે રતલામ દ્વારા હેલ્પલાઇન નંબરો પર સંપર્ક સાધવા જણાવાયું હતું. જેમાં રતલામ રેલ્વે સ્ટેશનનો ટેલીફોન નંબર ૦૭૪૧૨-૨૩૨૨૩૦, ૨૩૨૩૮૨, ઇંદોર સ્ટેશનનો ટેલીફોન નંબર : ૦૭૩૧-૨૫૨૧૦૪૬, ૨૫૨૧૦૪૪, ૨૫૨૧૦૪૫. ઉજૈન સ્ટેશનનો ટેલીફોન નંબર : ૦૭૪૩૪-૨૫૫૫૫૮૧, ૨૫૫૫૫૮૩, ૨૫૫૫૫૮૬ અને નાગદા સ્ટેશનનો ટેલીફોન નંબર : ૦૭૩૬૬-૨૪૬૯૦૯, ૨૪૬૯૧૧ છે.