(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સરકારે ત્રણ તલાક અંગે નવો કાયદો અમલી બનાવવા માટે વટહુકમનો રૂટ અપનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે એક સાથે ત્રણ તલાક આપનારને સજાની જોગવાઇવાળા મોદી સરકાર દ્વારા ઘડવામાં આવેલો નવો કાયદો લાગુ કરવા માટે સરકાર વટહુકમ લાવશે. નવા કાયદા મુજબ એક સાથે ત્રણ તલાક (તલાકે બિદ્દત) આપનારને ત્રણ વર્ષના કારાવાસની સજા આપી શકાશે. મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષાવાળા લગ્નના કાયદાનો ઉદ્દેશ મુસ્લિમ પુરૂષો તેમની પત્નીઓને એક સાથે ત્રણ તલાક નહીં આપે તેની ખાતરી કરવાનો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એક સાથે ત્રણ તલાકને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું હતું.
ખરડામાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે પીડિત પત્ની કોર્ટમાં જઇને તેને તલાક આપનાર પુરૂષ પાસેથી ભરણપોષણ અને તેના સગીર સંતાનોની કસ્ટડીની પણ મેળવી શકશે. ખરડામાં મૌખિક, લેખિત કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એક સાથે ત્રણ તલાક આપવાની બાબતને ગેરકાનૂની અને રદ-બાતલ ઠરાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. કાયદા મંત્રાલય દ્વારા ઘડવામાં આવેલા કાયદાના મુસદ્દામાં એક સાથે ત્રણ તલાકને કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર ગુનો બનાવવામાં આવશે. પીડિત મુસ્લિમ મહિલા પોતાની ફરિયાદના નિવારણ કે રાહત મેળવવા માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં જઇ શકશે. કેન્દ્ર સરકારે આ મુદ્દા અંગે અગાઉ પણ બધી રાજ્ય સરકારો પાસેથી તેમના અભિપ્રાય મંગાવ્યા હતા. મોટાભાગની રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા કાયદાને સમર્થન આપ્યું હતું.
નવો કાયદો લોકસભામાં પાસ થઇ ગયો છે પરંતુ હાલમાં તે સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)માં અટકેલો છે. લોકસભામાં મૌખિક મતદાનથી પસાર થયેલા આ કાયદાની ઝીણવટભરી તપાસ માટે પસંદગીની સમિતિને રીફર કરવાની વિપક્ષની માગણી અંગે મડાગાંઠ સર્જાવાને કારણે આ કાયદો રાજ્યસભામાં પસાર થઇ શક્યો નથી. સરકારે ત્રણ તલાક અંગેના નવા કાયદાને ઐતિહાસિક અને પ્રગતિશીલ પગલું ગણાવ્યું છે.