(એજન્સી) રિયાધ, તા.ર૮
ત્રાસવાદી સંગઠનોને તોડી નાખવા માટે ઈસ્લામિક મિલિટરી કાઉન્ટર ટેરરિઝમ કોલિશન (આઈએમસીટીસી)ના ટોચના રક્ષા અધિકારીઓ સંમત થયા હતા.
રિયાધમાં ઉચ્ચ કક્ષાની મળેલી પરિષદમાં તેઓ સહકાર વધારી ટેરર જૂથોને આર્થિક મદદ કાપી નાખવા સંમત થયા હતા. આ ઉપરાંત ત્રાસવાદી વિચારધારાને રોકવા મીડિયા અને ડિજિટલ માધ્યમોને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકાયો હતો.
રિયાધમાં રાજકુમાર મોહમ્મદ બિન સાલેમે ઈસ્લામિક કાઉન્ટર ટેરરિઝમ ગઠબંધન દળોના વડાઓની બેઠકનું ઉદ્‌ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું.
તેમણે મહત્ત્વના ભાષણમાં કહ્યું કે ત્રાસવાદીઓ વિશ્વભરમાંથી નેસ્તનાબૂદ ન થાય ત્યાં સુધી તેમનો પીછો કરો. આજે આપણે ત્રાસવાદનો પીછો કરી વિશ્વના ઘણા દેશોમાંથી તેને નાબૂદ કરવામાં સફળ થયા છીએ. ખાસ કરીને ઈસ્લામિક દેશોમાં અને પૃથ્વી પરથી તેના ખાત્મા માટે પ્રયાસો કરવા પડશે ત્રાસવાદ અને અંતિમવાદ ફકત નિર્દોષના જીવ લે છે સાથે સાથે આપણા વિશ્વાસને ભ્રમિત કરે છે.
રાજકુમાર સલમાને ઈજિપ્તને શોક સંદેશ પાઠવ્યો હતો. ઈજિપ્તની મસ્જિદમાં આતંકી હુમલામાં ૩૦પ લોકોનાં મોત થયા હતા. આ દુઃખદ ઘટના ત્રાસવાદના ખતરાને યાદ કરાવે છે.