(એજન્સી) તા.૧૮
સીમાપારના ત્રાસવાદીઓ ખાસ કરીને મસૂદ અઝહર પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિઓ પણ ખાસ સમય જોઈને કરે છે, એવું જણાઈ આવે છે. આ સમયે એમણે કાશ્મીરમાં કરેલ આત્મઘાતી હુમલો પણ એની કડી જ જણાય છે. મોટાભાગે જૈશ અથવા અન્ય પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરાયેલ હુમલાઓથી ભાજપને લાભ થયો છે. ૧૪મી ફેબ્રુઆરીથી કોઈ પણ પક્ષે રાફેલ કૌભાંડ અથવા અન્ય કોઈ બાબત એક શબ્દ પણ ઉચાર્યો નથી. મીડિયા અથવા સોશિયલ મીડિયામાં પણ કોઈએ કશું કહ્યું નથી. જેથી મોદી હવે ફરી વખત હી-મેનની ભૂમિકામાં આવી ગયા છે અને બધાને ઠસાવી દીધા છે કે, પાકિસ્તાનથી બદલો ફક્ત એ જ લઈ શકે છે. મોદીના આલોચકો, જેમાં વિપક્ષો પણ સામેલ છે. એ બધા ચૂપ થઈ ગયા છે. મસૂદના લીધે મોદીને લાભ થયો છે. વડાપ્રધાને બદલો લેવાની જાહેરાતો જોષભેર કરી છે. જેનાથી એ લોકોમાં પણ જુસ્સો અને ગુસ્સો ફેલાવવામાં સફળ રહ્યા છે, પણ કાશ્મીરીઓ ઉપર કરાયેલ હુમલાઓથી કાશ્મીરીઓમાં નફરત વધશે અને એ વધુ ભારત વિરોધી બનશે. આનાથી તો ફક્ત જૈશને જ લાભ થશે, જે ઈચ્છે છે એનાથી વધુ બુરહાન વાનીઓ અને આદિલ અહમદ ડાર પેદા થશે. મસૂદના કૃત્યથી ભાજપને હંમેશ મદદ મળી છે, જ્યારે એ મુશ્કેલીમાં હોય છે. ર૬/૧૧માં મુંબઈ હુમલા વખતે જો કે, ર૦૦૯ની ચૂંટણીઓમાં ભાજપને લાભ થયો ન હતો, પણ એ હુમલામાં પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા થવાથી ભાજપને લાભ થયો હતો. કરકરેએ પ્રથમ વખત હિંદુ ત્રાસવાદીઓને ખુલ્લો પાડ્યો હતો, પણ કરકરેની મૃત્યુથી જે પણ આરોપીઓ જેને હિંદુ ત્રાસવાદી જાહેર કરાયો હતો, એ બધા છૂટી ગયા હતા. ૧૩મી ડિસેમ્બર, ર૦૦૧નો દાખલો લો. એ વખતે એનડીએની સરકાર હતી. આ દિવસે સંસદ ઉપર હુમલો થયો હતો અને આ જ દિવસે સંસદમાં કોફીન કૌભાંડની ચર્ચા ચાલતી હતી, જેમાં તે વખતના રક્ષામંત્રી જોર્જ ફરનાન્ડિઝ સામે આક્ષેપો હતા, પણ સંસદ ઉપર હુમલો થવાથી એ કૌભાંડ કોરાણે મૂકાઈ ગયો, જેથી કટોકટી સમયે વાજપેયી સરકાર બચી ગઈ. એ જ પ્રકારનો લાભ એનડીએને કારગિલ સમયે મળ્યો હતો. કારગિલમાં પાકિસ્તાની ત્રાસવાદીઓએ કબજો કર્યો હતો. જેને હટાવવા સૈન્યે ઘણું લોહી વહાવ્યું હતું, તે વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટનના કહેવાથી પાકિસ્તાને પોતાનું સૈન્ય પાછું બોલાવ્યું, જેથી ભારતની જીત સાબિત થઈ અને અને એ જીતનો લાભ એમને ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં મળ્યો. જો કે, આ જોગાનુજોગ પણ હોઈ શકે, પણ મૂળ પ્રશ્ન એ રહે છે કે, આવા કૃત્યોથી કોનેે લાભ થયો છે ? મુશ્કેલીમાં મૂકાયેલ કાશ્મીરી યુવાઓને અથવા ભગવા બ્રિગેડને ? કાશ્મીરી યુવાઓ બાબત શાહ ફૈસલે કહ્યું કે, કાશ્મીરી યુવકો અભ્યાસ કરવા માંગે છે. પોતાની કારકિર્દી ઘડવા માંગે છે. એ આવા ત્રાસવાદી કૃત્યોથી હતાશ થયા છે, પણ આવા હુમલાઓના લીધે નફરત વધી જાય છે. જેના પરિણામે પથ્થરમારો કરનારાઓ અને સ્થાનિક યુવાઓ ત્રાસવાદીઓ બની જાય છે.