શ્રીનગર,તા. ૩
શ્રીનગરમાં આજે સવારે બીએસએફ કેમ્પ ઉપર હુમલો કરનાર ત્રાસવાદી સુરક્ષા દળોના ચક્રવ્યુહ ભેદી દેવામાં સફળ રહ્યા બાદ આની આજે દિવસદરમિયાન ચર્ચા રહી હતી. ચાર સ્તરીય સુરક્ષા છતાં આતંકવાદીઓ એડમિન બ્લોક સુધી કઇ રીતે પહોંચી ગયા તે ચોંકાવનારી બાબત છે. ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ બીએસએફ કેમ્પની અંદર સંવેદનશીલ વિસ્તારમાં કઇરીતે ત્રાસવાદીઓ ઘુસી ગયા તેને લઇને તપાસ હાથ ધરાઈ છે. ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિરે કબૂલાત કરી છે કે, ચોક્કસપણે ખામી થઇ છે. જો કે, આના માટે ત્રાસવાદીઓને કિંમત ચુકવવી પડી છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ હુમલા બાદ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઓપરેશન પૂર્ણ થયા બાદ બીએસએફ જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે પત્રકાર પરિષદ યોજીને હુમલાની માહિતી આપી હતી. કાશ્મીરના આઈજી મુનિર ખાને સુરક્ષામાં ખામીના અહેવાલને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદીઓને તરત જડબાતોડ જવાબ અપાયો હતો. ત્રાસવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘુસી ગયા હતા. બીએસએફે ઓપરેશન હાથ ધર્યા બાદ સીઆરપીએફ અને બડગામ પોલીસે પણ ઓપરેશનમાં ભાગ લીધો હતો. એક ત્રાસવાદી એડમિન બ્લોકમાં છુપાઈ ગયો હતો. ખાને કહ્યું હતું કે, ઓપરેશનને વધુ વહેલી તકે પૂર્ણ કરી શકાયું હોત પરંતુ નાગરિક વિસ્તાર હોવાના કારણે વિલંબ થયો હતો. બીએસએફના એક એએસઆઈ શહીદ થયા છે. ખાને એમ પણ કહ્યું હતુ ંકે, વિમાની મથકને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો ન હતો. ત્રાસવાદીઓએ સુરક્ષાવાળા શ્રીનગર વિમાની મથક નજીક બીએસએફ કેમ્પમાં ચાર વાગે હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓ ૧૮૨મી બટાલિયનના કેમ્પની અંદર ઘુસી ગયા બાદ ઇમારતમાં સંતાઈ ગયા હતા. આ બટાલિયન ઉપર શ્રીનગર વિમાની મથકના રનવેની સુરક્ષાની જવાબદારી છે. કેમ્પની નજીક શ્રીનગર હવાઈ ક્ષેત્ર પણ છે જેનું નિરીક્ષણ ભારતીય હવાઈ દળ કરે છે. આ વિસ્તારમાં બીએસએફ અને સીઆરપીએફના તાલીમ કેન્દ્રો પણ છે. હાઈસિક્યુરિટી ઝોનમાં ત્રાસવાદીઓ કઇરીતે ઘુસી ગયા તેને લઇને ચર્ચા ચાલી રહી છે. હંસરાજ આહિરે કહ્યું છે કે, પાકિસ્તાની કહો કે ત્રાસવાદીઓ આ તમામ કાયરતાપૂર્વકના કૃત્યો કરતા રહે છે. કેમ્પ હંમેશા સાવધાન રહે છે. અમને વધારે સાવધાન રહેવાની જરૂર છે. કેમ્પની આસપાસની સુરક્ષાને વધુ મજબૂત કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, કાયરતાપૂર્વકના કૃત્યો માટે ત્રાસવાદીઓને કિંમત ચુકવવી પડી છે. જૈશે મોહમ્મદના અફઝલ ગુરુ સ્કવોડનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. ત્રાસવાદીઓ કોઇ વાહનમાં નહીં બલ્કે ચાલીને પહોંચ્યા હતા. એવી શંકા છે કે, ત્રાસવાદીઓના ઇરાદા વિમાની મથકની અંદર પ્રવેશ કરવાનો હોઇ શકે છે પરંતુ સીઆરપીએફની મજબૂત સુરક્ષા હોવાના કારણે આ લોકોની યોજના ફ્લોપ રહી છે. ઠાર થયેલા ત્રણેય ત્રાસવાદીઓ પાસેથી પાંચ કિલો વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરાયો છે જે દર્શાવે છે કે, ત્રાસવાદીઓના ઇરાદા ખુબ જ ખતરનાક હતા પરંતુ જવાનોની ઝડપી કાર્યવાહીના કારણે ત્રાસવાદીઓ તેમની યોજનામાં નિષ્ફળ રહ્યા છે.