(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં છેલ્લા ત્રણ દાયકામાં શુક્રવારે થયેલા સૌથી ભયંકર ત્રાસવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ફિદાયીન હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ ત્રાસવાદી હુમલા પાછળ રહેલા બળો અને તાકાતને જરૂર સજા કરવામાં આવશે. પુલવામાના ત્રાસવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ત્રાસવાદીઓ સામે ક્યાં અને કયા સમયે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવાની છે, તેનો નિર્ણય લેવાની સૈન્યને છૂટ આપી દેવામાં આવી છે. સુરક્ષા દળોને કાર્યવાહી કરવા માટે સમય, સ્થળ અને દિવસની પસંદગી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણા વીર જવાનોમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ છે. ત્રાસવાદીઓ અને પાકિસ્તાન સામે આકરા પ્રહાર કરતા વડાપ્રધાને ઝાંસીની રેલીમાં જણાવ્યું કે પુલવામા હુમલાના ગુનેગારોને તેમના દુષ્કૃત્ય માટે ચોક્કસ સજા મળશે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી ચેતવણી આપી કે ‘તમે બહુ મોટી ભૂલ કરી’ છે. આપણો પાડોશી દેશ એ ભૂલી રહ્યો છે કે ભારત નવી રિતી અને નીતિવાળો દેશ છે. ત્રાસવાદી સંગઠનો અને તેમના આકાઓએ બતાવેલી હેવાનિયતનો હિસાબ ચુકતે કરવામાં આવશે. વડાપ્રધાને જણાવ્યું કે આપણા પાડોશી દેશને એવું લાગે છે કે તે આવી તબાહી મચાવીને ભારતની સ્થિતિ ખરાબ કરી શકે છે તો તે આવા દુસ્વપ્ન જોવાનું છોડી દે. વડાપ્રધાને જણાવ્યું કે ૧૩૦ કરોડ હિન્દુસ્તાની આવા પ્રત્યેક ષડયંત્ર અને આવા પ્રત્યેક હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાને બર્બાદીનો માર્ગ પસંદ કર્યો છે. પાકિસ્તાનની બદહાલીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે આપણા પાડોશી દેશને દરરોજનો ખર્ચ ચલાવવાનું પણ ભારે પડી રહ્યું છે અને તે વિશ્વ સમક્ષ કટોરો લઇને ભીખ માગી રહ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે પુલવામાના ત્રાસવાદી હુમલાને કારણે દેશમાં ભારે આક્રોશ છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે, તે હું સમજી રહ્યો છું. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આતંકને કચડી નાખવામાં આપણી લડત વધુ ઉગ્ર થઇ શકે તેના માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી માહિતીઓ પણ આપણી તપાસ એજન્સીઓ સુધી પહોંચાડશે.
વડાપ્રધાને કહ્યું કે આ સમય અત્યંત સંવેદનશીલ અને ભાવુક છે. બધા રાજકારણીઓને એક-બીજા સામે આરોપ મુકવાથી દૂર રહેવાનો અનુરોધ કર્યો છે. આ ત્રાસવાદી હુમલાનો દેશ સંગઠિત થઇને મુકાબલો કરી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. જવાનોએ દેશની સેવા કરતા પોતાના પ્રાણની આહૂતિ આપી છે. દુઃખની આ પળમાં મારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.

પુલવામા હુમલાના જવાબદારોને ભારે કિંમત ચૂકવવી પડશે : PM મોદી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ભયંકર ત્રાસવાદી હુમલા અંગે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓનું કાવતરૂં ઘડીને પાકિસ્તાન ભારતને નબળું કરી શકશે નહીં. શુક્રવારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ હુમલાના જવાબદારોને ભારે કિંમત ચુકવવી પડશે અને ત્રાસવાદીઓને પહોંચી વળવા માટે સુરક્ષ દળોને ખુલ્લી છૂટ આપવામાં આવશે. મોદીએ પોતાના કડક અવાજમાં જણાવ્યું કે લોકોનું લોહી ઉકળી રહ્યું છે અને હુમલા માટે જવાબદાર લોકોને ચોક્કસપણે સજા કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટો પડી ગયેલો અમારો પાડોશી દેશ એવું વિચારે છે કે આ પ્રકારના હુમલાથી અમને અસ્થિર કરી શકે છે પરંતુ તેનું કાવતરૂં સફળ થઇ શકશે નહીં. તેમણે કહ્યું કે પુલવામાના ત્રાસવાદી હુમલાને વખોડનારા બધા રાષ્ટ્રોનો તેઓ આભાર માને છે. વડાપ્રધાન શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

સંબિત પાત્રાએ દેશને ગેરમાર્ગે દોર્યો, જ્યારે ૪૨ સૈનિકો શહીદ થયાના ગણતરીના કલાકો બાદ મોદીએ યુપીમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે વોટ માંગ્યા

(એજન્સી) તા.૧૫
શુક્રવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને દેશને ગેરમાર્ગે દોરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ગુરુવારે પુલવામા આતંકી હુમલામાં ૪૨ સૈનિકો શહીદ થયાની ઘટનાને ધ્યાનમાં રાખીને બે રાજકીય રેલીઓ રદ કરી દીધી છે. પત્રકાર પરિષદમાં સંબિત પાત્રાએ કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપ સૈનિકોની પડખે ઊભો છે. એનએનઆઈ દ્વારા એક અહેવાલ ચલાવાયો હતો જેમાં જણાવાયું કે વડાપ્રધાન મોદીએ ઇટારસી અને ધારની રેલીઓ રદ કરી દીધી હતી. આ રેલીઓ આજે અને ગઈકાલે યોજાવાની હતી. તેમાં કહેવાયું હતું કે આ રેલીઓ રદ થતાં મોદી મહત્ત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટોની જાહેરાત ના કરી શક્યા. આ અહેવાલની સાથે લોકો ઈમ્પ્રેશ થઈ ગાય કે ભાજપ શહીદ સૈનિકોની પડખે ઊભો છે. પરંતુ થોડી જ ક્ષણોમાં મોદીએ આ અહેવાલને ખોટો સાબિત કરી દીધો. વડાપ્રધાન મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવા માટે પહોંચી. આ ટ્રેન ભારતની સેમી હાઈસ્પીડ ટ્રેન છે. મોદીએ યુપીના ઝાંસી પહોંચી જુદા જુદા પ્રોજેક્ટ લોન્ચ પણ કરી દીધા. તેમની સાથે કેન્દ્રીયમંત્રી ઉમા ભારતી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. મોદીએ અહીં યુપીના મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જીતાડવા બદલ તમારો આભાર. તેમણે અહીં કહ્યું કે આગામી દિવસોમાં પણ તમારો આ પ્રેમ અને આશીર્વાદ મળશે તેવી આશા રાખું છું. તેમણે આ ટિપ્પણીના માધ્યમથી લોકોને વોટ અપીલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના અન્ય નેતાઓ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ, યોગી આદિત્યનાથ, ભાજપ સાંસદ મનોજ તિવારી પણ તેમના ચૂંટણી કાર્યક્રમોને લીધે ટીકાને પાત્ર થયા હતા. આ તમામ લોકોએ શહીદ જવાનો અંગે સંવેદના વ્યક્ત કરવાને બદલે ચૂંટણી કાર્યક્રમો તથા અન્ય કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.