(એજન્સી) તા.૨૨
ગત અઠવાડિયે બલ્લારી જિલ્લામાં આવેલા હમ્પી નજીકમાં ૧૬મી સદીના એક સંતની કબરની તોડફોડ કરવાની આશંકા હેઠળ છ લોકોની કર્ણાટક પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ માહિતી ધ હિન્દુએ રવિવારે આપી હતી. જોકે આરોપીઓમાં એક પાદરી છે જેની આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તુંગભદ્રા નદીમાં આવેલા એક નાનકડા ટાપુ જેવા અને ગુંડી ગામમાં નવા વૃંદાવન નામનું એક સ્થળ આવેલ છે અને અહીં માધવા સમયકાળના નવ સંતો આરામ ફરમાવી રહ્યાં છે. જોકે ગુરુવારે સવારે વ્યાસરાજના તિર્થાના વૃંદાવનમાં બધુ વેરવિખેર હાલતમાં મળ્યું હતું. અહીં તોડફોડ કરવામાં આવી હતી. જોકે આ ઘટના અંગે માહિતી ફેલાતાની સાથે સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. એ જ દિવસે લોકસભામાં ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આ મુદ્દો ઊઠાવ્યો હતો અને તેમણે આ સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાની માગણી કરી હતી.
જોકે તેના એક દિવસ પછી સેંકડો શ્રદ્ધાળુઓ જે આજુબાજુના વિસ્તારોમાં જ રહેતા હતા તેમણે આ માળખાની ફરીવાર પુનઃસ્થાપના કરી હતી. તેમને આ દરમિયાન આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને અન્ય શહેરથી આવેલા આર્કિટેક્ટએ મદદ પણ કરી હતી. શનિવારે રાત્રિએ કોપ્પલ પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી હતી અને આ તમામ લોકો ટ્રેજર હંટર હોવાની માહિતી મળી હતી. જોકે એક આરોપી ભાગી છૂટ્યો હતો. પોલીસે આ દરમિયાન એક ફોર વ્હિલર અને ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે કોદાડી, પાવડા અને અન્ય હથિયારો કબજે કર્યા હતા.
કોપ્પલ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ રેણુકા કે.સુકુમારે કહ્યું કે અમે આ મામલે પાંચ ટીમોની રચના કરી હતી જેમણે આ ટ્રેજર હન્ટરોને શોધી કાઢ્યા. ગુરુવારે જ્યારે અમને આ મામલાની ખબર પડી કે તરત જ અમે ટીમોને એલર્ટ કરીને તાત્કાલિક ધોરણે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીઓને પકડી પાડ્યા. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.