વેલિંગ્ટન,તા.૧૯
રમવા ફરી ફિટ બનેલ ન્યૂ ઝીલેન્ડનો ફાસ્ટ બૉલર ટ્રેન્ટ બોલ્ટ કોઈ કામ અધૂરું છોડતો નથી અને ભારત સામે શુક્રવારથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી પોતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પડકાર ફેંકવા તૈયાર છે. ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં બૉક્સિગં-ડે ટેસ્ટમાં જમણા હાથમાં થયેલા ફ્રેક્ચરના કારણે બોલ્ટ છ અઠવાડિયા સુધી રમત બહાર થઈ ગયો હતો કે જે દરમિયાન તે ભારત વિરુદ્ધ મર્યાદિત ઓવરની મેચોમાં પણ ભાગ ન લઈ શક્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં પુનઃપ્રવેશ માટે ન્યૂ ઝીલેન્ડની ટીમમાં પસંદગી પામતા ડાબોડી ઝડપી ગોલંદાજ બોલ્ટે પહેલી ટેસ્ટ પૂર્વે પોતાના પ્રથમ કાર્યની જાણ કરી દીધી હતી. “હું વિરાટ કોહલી જેવાને આઉટ કરી મારી આવડતની કસોટી કરવા ટેસ્ટ ક્રિકેટ રમું છું અને આ કાર્ય કરવા હું તત્પર છું, એમ ભારતીય કેપ્ટનને ચેતવણી ઉચ્ચારતા બોલ્ટે શ્રેણીની આરંભિક ટેસ્ટ મેચ માટે અહીં આવી પહોંચ્યા બાદ કહ્યું હતું.પણ બોલ્ટે કહ્યું હતું કે કોહલી ઘણો સારો ખેલાડી છે અને તેની મહાનતાને બધા જાણે છે. અહીં બેસિન રિઝર્વ ખાતેની પિચ સીમ બૉલિંગને મદદકર્તા હવામાનમાં તે પ્રકારના બૉલરોને લાભકર્તા નીવડવાની પૂરી શક્યતા છે અને પોતાની ૬૫ ટેસ્ટ મેચની કારકિર્દીમાં કુલ ૨૫૬ વિકેટ ઝડપી ચૂકેલ ૩૦ વર્ષીય બોલ્ટ જેવો ગોલંદાજ તેના પર સારી સફળતા મેળવી શકે છે.