વેલિંગ્ટન,તા.૧૭
ન્યૂઝીલેન્ડે ભારત સામે ૨ ટેસ્ટની સીરિઝ માટે ૧૩ સદસ્ય ટીમ જાહેર કરી છે. ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની વાપસી થઇ છે. તે ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ બોલ્ટ એ સીરિઝની એકપણ મેચ રમ્યો નહોતો. તેમજ ભારત સામેની વનડે અને ટી-૨૦ સીરિઝની પણ બહાર થયો હતો. બોલ્ટની વાપસીથી ન્યૂઝીલેન્ડનું ફાસ્ટ બોલિંગ આક્રમણ મજબૂત થયું છે. તેની સાથે ટિમ સાઉથી અને નીલ વેગનરને પ્લેઈંગ ૧૧માં સામેલ કરવામાં આવી શકે છે.
ભારત સામે વનડે સીરિઝમાં ડેબ્યુ કરનાર કાઈલી જેમિસનને પહેલીવાર ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તેમજ સ્પિનર એજાઝ પટેલને પણ જગ્યા આપવામાં આવી છે. બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ૨૧ ફેબ્રુઆરીએ વેલિંગ્ટન અને બીજી ટેસ્ટ ૨૯ ફેબ્રુઆરીએ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
પટેલે પાકિસ્તાન સામે ડેબ્યુ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુએઈમાં ન્યૂઝીલેન્ડની ટીમે સીરિઝ ૨-૧થી પોતાના નામે કરી હતી. તે પછી તેને શ્રીલંકા પ્રવાસમાં ટીમમાં સ્થાન મળ્યું નહોતું. એજાઝનો જન્મ ભારતમાં થયો હતો. ડાબોડી સ્પિનર મિચેલ સેન્ટનર, ઓપનર જીત રાવલ અને ફાસ્ટ બોલર મેટ હેનરી ઇજાના કારણે સીરિઝમાં ભાગ લેશે નહીં.
ન્યૂઝીલેન્ડની ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ટોમ બ્લંડેલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, નીલ વેગનર, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ, કાઈલી જેમિસન, ડેરેલ મિશેલ