મેલબર્ન, તા.૨૭
ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટમાં મેલબોર્ન ખાતે બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ સામે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દાવમાં કાંગારું ૪૬૭ રનમાં ઓલઆઉટ થયું હતુ. ૨૫૭/૪થી દિવસની શરૂઆત કરનાર કાંગારુંએ બીજા દિવસે ૨૧૦ રન ઉમેર્યા હતા. ટ્રેવિસ હેડે કરિયરની બીજી સેન્ચુરી ફટકારતા ૨૩૪ બોલમાં ૧૨ ફોરની મદદથી ૧૧૪ રન કર્યા હતા. તેમજ કેપ્ટન ટિમ પેને ૧૩૮ બોલમાં ૯ ફોર મારીને ૭૯ રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૧૫૦ રનની પાર્ટનરશીપ કરી હતી. કિવિઝ માટે નીલ વેગનરે ચાર, ટિમ સાઉથીએ ત્રણ, કોલીન ડી ગ્રાન્ડહોમે બે અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ લીધી હતી.
સ્ટીવ સ્મિથ ઓવરનાઈટ ૭૭ રને અણનમ હતો. બધાને આશા હતી કે તે આજે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચશે. જોકે પ્રથમ ટેસ્ટની જેમ આ મેચમાં પણ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નીલ વેગનરનો તે શિકાર બન્યો હતો. તેણે ૨૪૨ બોલની ઇનિંગ્સ દરમિયાન ૮ ફોર અને એક સિક્સની મદદથી ૮૫ રન કર્યા હતા. વેગનરના બાઉન્સર પર નિકોલસે ફ્લાઈ સ્લીપમાં સ્મિથનો અદભુત કેચ કર્યો હતો. સ્મિથે ૨૦૧૪થી દરેક બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી મારી છે, જો તે બીજા દાવમાં ટ્રિપલ ડિજિટ સુધી નહીં પહોંચે તો આ ક્રમ તૂટી જશે. તેમ છતાં તેણે મેલબોર્ન ખાતે પોતાનો શાનદાર દેખાવ જારી રાખ્યો છે. તેણે હવે મેલબોર્ન ખાતેની ૭ ટેસ્ટમાં ૧૨૮.૭૧ની એવરેજ અને ચાર સેન્ચુરીની મદદથી ૯૦૧ રન કર્યા છે. (વેગનરે સીરિઝની ત્રણ ઇનિંગ્સમાં ત્રણેયવાર સ્મિથને આઉટ કર્યો છે.)
કાંગારુંને ૪૬૭ રનમાં ઓલઆઉટ કર્યા પછી કિવિઝની ઇનિંગ્સની શરૂઆત નબળી રહી હતી. ટોમ બ્લેન્ડન ૧૫ રને પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી કિવિઝને મોટો ઝટકો આપતા જેમ્સ પેટિન્સને કેન વિલિયમ્સનને આઉટ કર્યો હતો. વિલિયમ્સન ૯ રને કીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. દિવસના અંતે ટોમ લેથમ ૯ અને રોસ ટેલરે ૨ રને અણનમ રહ્યા હતા. આવતીકાલે મેચ જીવંત રહે તે માટે આ જોડી સારી પાર્ટનરશીપ કરે તે જરૂરી છે.