(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા પાસે ગતરોજ મોડી રાત્રે માથાભારે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની ઘાતકી હત્યા કરવામાં આવતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઇ હતી. હત્યાના બનાવ અંગે કિશન ખોખર અને વેજા માડમ પર હત્યાનો આરોપ તેમજ પ્રફુલ્લ ઉર્ફે તપન તોગડિયા અને ખુશ્બુ મોદી ઉપર હત્યાની સોપારી આપી હોવાની આશંકા ફરિયાદી કોમલ ગોયાણી દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કેનાલ રોડ ખાતે બાપા સીતારામ ચોક નજીક આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો માથાભારે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની કામરેજ ચાર રસ્તા ગોલ્ડન પ્લાઝા નજીક જીવલેણ ઘા કરીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે ગોલ્ડન ઉર્ફે ગૌતમની બહેન કોમલ ગણેશ મોહન ગોયાણીની પુત્રી (ઉ.વ.૨૬) દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરાત્રે સવા અગિયાર વાગ્યાના સુમારે ગૌતમ વેજા માડમ અને રામ ભરવાડ કામરેજ ચાર રસ્તા પાસે ચાની બારી પર ગયા હતા. રાતના પોણા બાર વાગ્યાના સુમારે કામરેજ પોલીસ ચોકી પાછળ મોચીની દુકાન પાસે કિશન રમેશખોખર અને બીજા એક વ્યકિત ઊભા હતા. કિશનનું શરીર છોલાઈ ગયું હતુ઼ અને કપડા ફાટી ગયા હતા. જેથી ગૌતમ અને વેજા એક્ટિવા પર બેસાડી કિશન પાસે ગયા હતા. ગૌતમે રામુ ભરવાડને બેન્ડેડ લેવા માટે મેડિકલ પર મોકલાવ્યો હતો. રામુ બેન્ડેડ લઈને આવ્યો ત્યારે શખ્સે જીવલેણ ઘા કરી નાસી ગયા હતા. ગૌતમના ગળા, પેટ અને કમરમાં સંખ્યાંબંધ ઘા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદી કોમલ ગોયાણી દ્વારા ત્રિપલ મર્ડર પ્રકરણનો ફરિયાદી પ્રફુલ ઉર્ફ તપન તોગડિયા તથા ખુશ્બુ મોદી દ્વારા કિશન ખોખર, કિસન સાથેનો વ્યકિત અને વેજા માડમને ગૌતમની હત્યાની સોપારી આપી હોવાની આશંકા વ્યક્ત કરી કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ત્રિપલ મર્ડરનો આરોપી પેરોલ પર છૂટ્યો હતો
વરાછા એ.કે.રોડ ઉપર જમીનની લેતી દેતી બાબતે બે વર્ષ અગાઉ થયેલ ઝઘડામાં ગૌતમ ઉર્ફે ગોલ્ડ દ્વારા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. જે પૈકી એક વ્યક્તિ પ્રફુલ્લ તોગડિયા જે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા છે તેમનો પિતરાઇ ભાઇ હતો. આ ત્રિપલ મર્ડર કેસમાં પ્રફુલ તોગડિયા જાતે ફરિયાદી બન્યા હતા. ત્રિપલ મર્ડર પ્રકરણમાં આરોપી ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની ધરપકડ થયા બાદ લાજપોર જેલામાં હતો ૧/૫/૨૦૧૮ના રોજ ગોલ્ડન પેરોલ પર છૂટયો હતો ગત રાત્રે કામરેજ ચાર રસ્તા ખાતે ગોલ્ડન ઉર્ફે ગૌતમની પણ ઘાતકી હત્યા કરવામાં આવી.