(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ત્રણ તલાક અંગેના બિલ પર રાજ્યસભામાં રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમત્તી નહીં સધાતાં સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ત્રણ તલાક બિલ મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે, એમ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દા અંગે વટહુકમ પણ લાવી શકે છે. એક દિવસ પહેલાં કેન્દ્રીય કેબિનેટે બિલમાં સુધારાઓને મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજ્‌્‌ કરવાની કોશિશથી ભાજપને હવે કોંગ્રેસને ઘેરવાની તક મળી ગઇ છે. મોદી કેબિનેટે મંજૂરી આપેલા ત્રણ તલાક સુધારા બિલમાં જણાવ્યા મુજબ એવું નક્કી કરવામાં આવ્યું છે કે સુધારા બિલમાં દોષિતને જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની મંજૂરીથી સમાધાનની જોગવાઇ પણ હશે તેમ જ ત્રણ તલાક બદલ પીડિતાના પતિ સામે મહિલા કે તેના નિકટના સગા-સંબંધી પોલીસ કેસ પણ કરી શકશે. જોકે, સરકારે ત્રણ તલાક આપવા બદલ પતિ માટે ત્રણ વર્ષની જેલની સજા ઘટાડી નથી અને આરોપીને જામીન પર છોડવાની સત્તા સ્થાનિક પોલીસ અધિકારી પાસે નહીં પરંતુ મેજિસ્ટ્રેટ પાસે હશે. ત્રણ તલાકના મૂળ બિલને લોકસભાએ ગયા વર્ષે મંજૂરી આપી હતી પરંતુ રાજ્યસભામાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ લઘુમતીમાં હોવાથી બિલ સંસદના ઉપલાગૃહમાં અટકેલું છે. એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર કરાવવા માટે સરકાર ચોમાસુ સત્ર એક દિવસ માટે લંબાવી પણ શકે છે પરંતુ હવે એવા અહેવાલો છે કે આ બિલ શિયાળુ સત્ર સુધી મોકૂફ રખાયું છે.