(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
ટ્રિપલ તલાક બિલને લોકસભાએ બહુમતીથી પસાર કરી દીધો છે જે દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સભ્યો મતદાન વચ્ચે વોકઆઉટ કરી ગયા હતા. હવે આ બિલને રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. કોંગ્રેસ અને એઆઇએડીએમકેએ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો અને વોટિંગ દરમિયાન સદનમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. ગૃહમાં હાજર ૨૫૬ સભ્યોમાંથી ૨૪૫ સભ્યોએ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું જ્યારે ૧૧ સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસીના ત્રણ સંશોધન પ્રસ્તાવ પણ પડી ભાંગ્યા હતા અને અન્ય ઘણા સંશોધન પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. કોંગ્રેસે સતત માગ કરી હતી કે, આ બિલને સિલેક્ટ કમિટીને મોેકલવામાં આવે. સદનમાં વિપક્ષો બિલનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે સરકારે દલીલ કરી હતી કે, મહિલાઓની ગરિમાના હકમાં તમામ પક્ષો સાથે આવે. લોકસભામાં ત્રણ તલાક બિલને પસાર કરાવવા માટે ભાજપે પહેલા જ પોતાના સાંસદો માટે વ્હીપ જારી કરી દીધો હતો.
પાછલા સપ્તાહે એ વાતે સહમતી સધાઇ હતી કે, ૨૭મી ડિસેમ્બરના રોજ આ ખરડા પર ચર્ચા થશે. આ પહેલા કોંગ્રેસે એવી સહમતી દર્શાવી હતી કે, તે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ૨૦૧૮ ખરડા પર થનારી ચર્ચામાં ભાગ લેશે. લોકસભામાં જ્યારે પાછલા સપ્તાહે આ ખરડો લાવવામાં આવ્યો ત્યારે સદનમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સલાહ આપી હતી કે, આ અંગે આગામી સપ્તાહે ચર્ચા કરવામાં આવે. આ અંગે સંસદીય કાય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિપક્ષ પાસે આશ્વાસન માગ્યું હતું કે, એ દિવસે કોઇ બાધા વિના ચર્ચા કરવામાં આવશે. ત્યારે ખડગેએ કહ્યું હતું કે, હું અનુરોધ કરૂ છું કે, આ ખરડા પર ૨૭મી ડિસેમ્બરના રોજ ચર્ચા કરવામાં આવે જેમાં અમે તમામ પક્ષો ભાગ લઇશું, અમારી પાર્ટી અને અન્ય વિપક્ષો પણ તૈયાર છે. આ પહેલા લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા પુરી થયા બાદ વોટિંગ પહેલા જ કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે માગ કરી હતી કે, બિલને સિલેક્ટ કમિટીને મોેકલવામાં આવે. એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, એક વર્ષ પછી ટ્રિપલ તલાક પર ફરી ચર્ચા શરૂ થઇ છે તો તેમાં નવું શું છે. દરમિયાન સંસદમાં શિવેસનાએ ટ્રિપલ તલાક બિલનું સમર્થન કર્યું હતું. સાથે જ કેન્દ્ર સરકારને યુનિફોર્મ સિવિલ કોડ, ધારા ૩૭૦ અને રામ મંદિર માટે પણ કાયદો લાવવાની માગ કરી હતી. તેણે કહ્યું કે, રામ મંદિર નિર્માણનો મુદ્દો રાજકીય નહીં પણ લોકભાવનાનો મુદ્દો છે. ઘણા સમયથી આ મામલો દબાયેલો છે જે બંધારણનું અપમાન છે. સરકારે આ બિલને લોકસભામાં રજૂ કરતા જણાવ્યું હતું કે, આ બિલ પર રાજનીતિ કરવામાં ન આવે. બીજી તરફ કોંગ્રેસ અને ટીએમસી સહિત ઘણા વિપક્ષોએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગ કરી હતી.

ટ્રિપલ તલાક બિલમાં નવું શું છે ?

પ્રથમ સંશોધન : આમાં પહેલા એવી જોગવાઇ હતી કે, આ મામલે પહેલા કોઇપણ ફરિયાદ નોંધાવી શકતો હતો, એટલું જ નહીં પોલીસ પોતે જ નોંધ લઇ ફરિયાદ દાખલ કરી શકતી હતી. પણ હવે નવું સંશોધન કહે છે કે, હવે પીડિતા, સગા સંબંધી જ ફરિયાદ દાખલ કરાવી શકશે.
બીજું સંશોધન : આમાં પહેલા એવી જોગવાઇ કરાઇ હતી કે, પહેલા બિનજામીનપાત્ર અપરાધ અને ગંભીર અપરાધ હતો. પોલીસ વોરંટ વિના જ ધરપકડ કરી શકતી હતી. પણ હવે નવું સંશોધન કહે છે કે, મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે.
ત્રીજું સંશોધન : આમાં પહેલા એવું કહેવાયું હતું કે, પહેલાથી સમજૂતીની કોઇ જોગવાઇ ન હતી. પરંતુ હવે નવું સંશોધન કહે છે કે, મેજિસ્ટ્રેટ સામે પતિ-પત્ની વચ્ચે સમજૂતીનો વિકલ્પ ખુલ્લો રહેશે.

ટ્રિપલ તલાક બિલ મહિલાઓના અધિકાર માટે : રવિશંકર પ્રસાદ

લોકસભામાં ત્રણ તલાક વિશે ચર્ચા શરૂ થઇ છે ત્યારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આ બિલ કોઇ સમુદાય વિરોધી નથી પણ મહિલાઓના અધિકાર માટે છે. ટ્રિપલ તલાક પર વિપક્ષ ચર્ચા કરવા માટે તૈયાર થયો હતો જે દરમિયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ વાત કરી હતી. સંસદ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, ખરડા પર ૨૭મીએ ચર્ચા કરવામાં આવે જેથી અમારી પાર્ટી પણ ચર્ચામાં ભાગ લેશે.

મુસ્લિમ માટે કોઇ કાનૂન નહીં, ફક્ત કુર્આન : આઝમખાન

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાને ફરીવાર ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ત્રણ તલાક બિલને લઇ ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે કહ્યું છે કે, મુસલમાન ફક્ત કુર્આનને જ માને છે, જે કુર્આનમાં કહેવામાં આવ્યું છે તે જ માનશે બીજું કોઇ કાનુન નહીં માને. તેમણે ઉમેર્યું કે, જે મુસ્લિમ છે તે કુર્આનને, હદીસને માને છે તેઓ જાણે છે કે, તલાકની તમામ પ્રક્રિયા કુર્આનમાં આપવામાં આવી છે. ફક્ત કુર્આનનું કાનુન મુસ્લિમો માટે માન્ય છે. સમગ્ર દુનિયામાં અમારા માટે કુર્આનનો કાયદો છે. આના સિવાય મુસ્લિમ કોઇ કાયદો માનતો નથી. આ અમારી અંગત બાબત છે. અમારા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે. મુસ્લિમ કઇ રીતે લગ્ન કરે, કઇ રીતે તલાક લે તે અમારો અંગત મુદ્દો છે. સરકાર પહેલા એવી મહિલાઓને ન્યાય અપાવે જેમને તેમના પતિઓએ છોડી દીધી છે. જે મહિલાઓ હાલ સડકો પર ભટકી રહી છે. સરકાર પહેલા એવી મહિલાઓને ન્યાય અપાવે જે ગુજરાત અને અન્ય સ્થાનો પર થયેલા તોફાનોમાં પીડિત છે.

ત્રણ તલાકના કાયદામાં મહિલાઓને શું અધિકાર ? : ઓવૈસીનો સવાલ

સંસદમાં ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ત્રણ તલાક પર કાયદો લાવવામાં મહિલાઓને કયા અધિકાર મળશે. તેમણે ઉમેર્યું કે, ત્રણ તલાક બિલ બંધારણ વિરૂદ્ધ છે અને આ બિલનું અપરાધિકરણ કેમ કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, ૧૯૮૬ના કાયદામાં શક્તિ હોત તો સાયરા બાનોએ કોર્ટમાં જવું પડ્યું ન હોત. મહિલાઓને ન્યાય અપાવવો અમારી જવાબદારી છે.

ત્રણ તલાક ખરડો બિનબંધારણીય : અન્ના દ્રમુક નેતા

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (અન્ના દ્રમુક)ના સાંસદ એ અનવર રાજાએ ગુરૂવારે ત્રણ તલાક ખરડાનો વિરોધ કર્યો અને તેને બિનબંધારણીય, કુદરતી ન્યાયની વિરૂદ્ધ અને મુસ્લિમ સમાજની વિરૂદ્ધ રજૂ થનારો અત્યારસુધીનો સૌથી ‘જઘન્ય’ કાયદો ગણાવ્યો છે. આ પહેલાં દિવસમાં લોકસભામાં વિપક્ષના હોબાળાની વચ્ચે મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારો પર સંરક્ષણ) ર૦૧૮ ખરડાને ચર્ચા અને પસાર કરાવવા માટે સદનના પટલ પર મૂક્યો. વિપક્ષી પાર્ટીઓએ વિસ્તૃત ચર્ચા-વિચારણા માટે આ પ્રસ્તાવિત ખરડાને પ્રવર સમિતિ (સિલેક્ટ કમિટી)ની પાસે મોકલવાની માંગ કરી છે. સદનમાં સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ના નજીક દેખાઈ રહેલા અન્ના દ્રમુક નેતાએ જણાવ્યું કે, તેઓ ખરડાની તેના હાજર સ્વરૂપમાં વિરોધ કરે છે અને ખરડામાં જોગવાઈ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ભાર આપીને જણાવ્યું કે, તેને ચર્ચા માટે પ્રવર સમિતિની પાસે મોકલવો જોઈએ. ખરડાને સહજ સૌહાર્દ પર હુમલો કરનારો ગણાવતા રાજાએ જણાવ્યું કે, જ્યારે મુસ્લિમ મહિલા તેમજ પુરૂષ બંનેને લગ્નના કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો અધિકાર છે, ત્યારે કેવી રીતે એક પક્ષ પતિને તલાક માટે સજા આપી શકાય છે. તેમણે જણાવ્યું કે, ખરડો દેશમાં ધાર્મિક તાલમેલને નષ્ટ કરી દેશે અને જો આ ખરડો પોતાના વર્તમાન સ્વરૂપમાં પસાર થઈ ગયો તો મુસ્લિમ મહિલાની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.