(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સુપ્રીમ કોર્ટે ત્રણ વખત એક સમયે ઉચ્ચારેલ તલાક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જે મુજબ મહિલાને ઈ-મેઈલ, વોટસ એપ અને ફોન દ્વારા ત્રણ વખત તલાક ઉચ્ચારી છૂટાછેડા આપી શકાતા હતા. આ પ્રકારના ત્વરિત તલાકની પ્રથા રર મુસ્લિમ દેશોમાં પણ પ્રતિબંધિત છે. કારણ કે એમનું માનવું છે કે આ ધાર્મિક રીતે અયોગ્ય છે અને ઈચ્છનીય નથી.
ઈસ્લામમાં તાત્કાલિક અપાયેલ ટ્રિપલ તલાકને ‘તલાક-એ-બિદ્‌અત’ કહેવામાં આવે છે. જે મુસ્લિમ પુરૂષોને લગ્ન સંબંધ તાત્કાલિક તોડવાનો મનસ્વી અધિકાર આપે છે. એને પર્સનલ લોનો આંતિરક ભાગ કહી શકાય નહીં અને જેને બંધારણ દ્વારા કોઈ પ્રકારનું રક્ષણ મળેલ નથી. એ કુર્આનની વિરૂદ્ધ છે અને શરિયતનો ભંગ કરનાર છે.
ઈસ્લામિક કાયદાઓ મુજબ તલાકના ત્રણ પ્રકારો છે. તલાક-એ-અહસાન, તલાક-એ-હસન અને તલાક-એ-બિદ્‌અત.
તલાક-એ-અહસાન :-લગ્નવિચ્છેદ કરવાનો આદર્શ પ્રકાર છે. આ પ્રથા મુજબ પતિએ તલાકનું ઉચ્ચારણ એક વખત કરવાનું થાય છે એ પણ એ વખતે જ્યારે મહિલા માસિક ધર્મમાં નહીં હોય. પત્નીએ ઈદ્દત અથવા રાહ જોવાનો સમયનો અમલ કરવાનો હોય છે. જે તલાક ઉચ્ચાર્યા પછી શરૂ થાય છે. ઈદ્દતનો સમયગાળો મહિલાઓ માટે આશરે ત્રણ મહિનાનો હોય છે. ઈદ્દત દરમ્યાન છૂટાછેડા રદ કરી શકાય છે.
તલાક-એ-હસન : લગ્નવિચ્છેદનો આ પણ એક યોગ્ય પ્રકાર છે પણ અહસાનની જેમ સારો અને યોગ્ય નથી. પતિએ તલાકનું ઉચ્ચારણ ત્રણ વખત ત્રણ મહિનાના સમય દરમ્યાન કરવાનું હોય છે. આ ત્રણ મહિના દરમ્યાન તલાક રદ કરી શકાય છે.
તલાક-એ-બિદ્‌અત : જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. એ ઈસ્લામમાં અવાંચ્છનીય અને પાપ ગણવામાં આવે છે. તેમ છતાંય શરિયા કાયદામાં એ માન્ય ગણાય છે. આ પ્રકારની તલાક ઈસ્લામમાં ફરજિયાત નથી પણ એનો ક્યારેક ઉપયોગ કરાય છે.