(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ઈન્ડિયન મુસ્લિમસ ફોર સેક્યુલર ડેમોક્રેસી (IMSD)એ એક સાથે ત્રણ તલાક આપવા વિરૂદ્ધ ઘડાયેલા કાયદાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ કૃત્યને ગુનાહિત ગણી ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવાનું આયોજન ગેરવાજબી છે. આઈએમએસડી સરકારના આવા વલણનો વિરોધ કરે છે.
આ મુદ્દે આઈએમએસડી દ્વારા આજે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્રની નકલો કાયદા મંત્રાલયના સચિવ, ભારતીય કાયદા પંચ, નેશનલ કમિશન ફોર વુમન, કેન્દ્રીય લઘુમતી પંચ, કેન્દ્રીય માનવઅધિકાર પંચને રવાના કરવામાં આવી હતી. આઈએમએસડી શા માટે આ કાયદાનું સમર્થન કરે છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આઈએમએસડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક સાથે ત્રણ તલાક આપવી એ અપરાધ છે. સુપ્રીમ કોર્ટે માત્ર આ બાબત ખોટી હોવાનું કહ્યું છે. કુર્આનમાં પણ એક સાથે ત્રણ તલાક આપવાને ગેરવાજબી ગણાવાયું છે.
આઈએમએસડીએ માંગ કરી હતી કે, આ કૃત્યને ઘરેલુ હિંસા કાયદાના દાયરામાં લાવવામાં આવે કેમ કે આ એકટ હેઠળ ત્રણ માસમાં ચુકાદો આવી જાય છે. પીડિત મહિલાને વકીલો પાછળ ખર્ચ કરવો પડતો નથી, ઉપરાંત પતિને એક તક આપવામાં આવે છે અને ભંગાણને આરે ઉભેલા લગ્નજીવનને ફરી પાટે ચઢાવવા તક અપાય છે અને જો પતિ આદેશ ન સ્વીકારે તો એક વર્ષ સુધીની જેલની સજા અને રૂા.ર૦,૦૦૦ સુધીનો દંડ કરાય છે.
આઈએમએસડીએ સરકારની ત્રણ વર્ષની સજાની જોગવાઈ સામે હોવા અંગે પણ વલણ સ્પષ્ટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ જોગવાઈમાં પતિને એક પણ તક નહીં આપવાનું વલણ ખોટું છે. પતિને ત્રણ વર્ષની સજા થતા તેની અસર પત્ની અને બાળકો પર પણ પડશે. જો પતિ જ જેલમાં હોય તો છૂટાછેડા અપાયેલી પત્નીને ભરણપોષણ માટે અને બાળકોના ખર્ચ માટે રૂપિયા કોણ આપશે. આ પગલાંથી દેશના મુસ્લિમ સમાજમાં અસલામતીની લાગણી પેદા થશે. જેમાંથી મહિલાઓ પણ બાકાત નથી. એટલું જ નહીં પોલીસને મુસ્લિમ પુરૂષો સામે ખોટી કાર્યવાહી કરવાનો વધુ એક વિકલ્પ મળી જશે.