(એજન્સી) નવી દિલ્હી,તા.૨૫
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે સોમવારે જાણકારી આપી કે સંસદનું ચોમાસુ સત્ર આવતા મહિને ૧૮ જુલાઈએ શરૂ થશે. આ સત્ર ૧૮ જુલાઈથી લઈને ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. સોમવારે સંસદ ભવનમાં કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સની બેઠક થઈ. જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સિવાય રામ વિલાસ પાસવાન અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા. બજેટ સત્ર સમગ્રરીતે વિપક્ષના હોબાળાના કારણે ધોવાઈ ગયુ હતુ. જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ બિલ પસાર થઈ શક્યા નહીં. બજેટ સત્રમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો, આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો સહિત કેટલાક અન્ય મુદ્દાને લઈને વિપક્ષે જોરદાર હોબાળો કર્યો હતો. વિપક્ષ આવનાર ચોમાસા સત્રમાં મોદી સરકારને કેટલાક મુદ્દાઓ પર આક્રમક રીતે ઘેરી શકે છે. જેમાં કાશ્મીરમાં સતત થઈ રહેલી ઘટનાઓ, અચાનક ભાજપની સરકાર પાડીને રાજ્યપાલ શાસન લાગુ કરવુ. કેટલીક જગ્યાએ થયેલી લિંચિંગની ઘટનાઓને લઈને પણ વિપક્ષ મોદી સરકાર પર હુમલો કરી શકે છે.
બજેટ સત્ર દરમિયાન જ ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ સત્ર લાવવા ઈચ્છતા હતા પરંતુ સદનમાં સતત હોબાળો ચાલતો રહ્યો. જેના કારણે લોકસભા અધ્યક્ષે સદન વ્યવસ્થિત ના હોવાનો તર્ક આપતા તેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી. આ સત્રમાં કુલ ૧૮ વર્કિંગ ડે હશે, જે દરમિયાન મહત્વના બિલો પર તમામની નજર રહેશે.