(એજન્સી)
અગરતલા, તા. ર
ત્રિપુરામાં બાળ અપહરણકારોની શંકામાં એક શખ્સની ટોળાએ ઢોર માર મારી હત્યા કરી નાખી, ત્યારબાદ રાજ્યની ભાજપા સરકારે મોટું પગલુ ભર્યું છે અને ઈન્ટરનેટ સેવાઓ પર ૪૮ કલાક માટે પ્રતિબંધ મૂકી દીધો છે જેથી સોશિયલ મીડિયા પર કોઈ અફવાના ફેલાઈ શકે. મીડિયાના અહેવાલ અનુસાર, સમગ્ર દેશમાં તાજેતરના મહિનાઓમાં જ રપથી વધુ હત્યાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે થઈ છે. પૂર્વોત્તરના રાજ્યોમાં દિવસે-દિવસે આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં શુક્રવારે બાળ અપહરણકાર હોવાની શંકામાં ત્રિપુરા સૂચના તેમજ સંસ્કૃતિ વિભાગના એક સભ્ય સહિત બે લોકોને માર મારી તેમની હત્યા કરી નાખવામાં આવી છે. સહાયક પોલીસ મહાનિરીક્ષક સ્મૃતિ રંજન દાસે જણાવ્યું કે, ગુરૂવારે રાત્રે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના કલાછારામાં બાળ અપહરણકાર હોવાની શંકામાં ટોળાએ સુકાંત ચક્રવર્તીની (૩૩ વર્ષ) મારી મારીને હત્યા કરી નાખી. ઘટના બાદ રાજ્યમાં પોલીસ પ્રવકતા સ્મૃતિ રંજન દાસે કહ્યું કે, પ્રશાસને અફવાઓને રોકવા માટે કલાક સુધી ઈન્ટરનેટ તેમજ એસ.એમ.એસ.ની સેવાઓ બંધ કરી દીધી છે. શુક્રવારે રાજ્યમાં ત્રણ અલગ અલગ સ્થળો પર મોબ લિંચિંગની ઘટનાઓ સામે આવી છે. જેમાં અફવાઓની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહેલા વ્યક્તિને જ બાળ અપહરણકાર સમજીને ટોળાએ ઢોર માર મારીને મારી નાખ્યો.