(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૫
શહેરના પાંડેસરા ગોવાલક રોડ માલધારી વસાહતમાં આવેલા એક રૂમમાં ચોરી છુપેથી દારૂનો જથ્થો સંતાડી રાખી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી એક બુટલેગરને ઝડપી પાડી રૂા.૬૭ હજારની દારૂની બોટલો અને મોબાઇલ ફોન કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ગોવાલક રોડ માલધારી વસાહતના પ્લોટ નં – ૨૭ના રૂમ નં – ૨ની અંદર ચોરી છુપેથી દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે ઉધના પ્રભુનગર સ્થિત મુસ્તાકભાઇની ચાલમાં રહેતો જતીન વિષ્ણુ પાટીલ દારૂનું વેચાણ કરતા પકડાઇ ગયો હતો. પોલીસે રૂમની તલાસી લેતાં રૂ. ૬૬,૨૪૦ની ૧૯૬ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે જતિનની પુછપરછ કરતા તેની સાથે ભેસ્તાન ભગવતી નગરમાં રહેતો રોનક કોઠારી , નિકુલ ઉર્ફે નિકલો અને લિંબાયત સંજયનગરમાં રહેતો અશોક ઉર્ફે અશોક માલીયો પણ હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે ત્રણેય જણાંને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂ.૬૬,૭૪૦ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.