(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
રાજયની સરકારી જાહેર હોસ્પિટલોમાં સારવાર વખતે દર્દીના મૃત્યુ કે અન્ય કોઈ કારણસર તબીબો સાથે મારામારી થવાના વધતા બનાવોને લઈને હવે આવી હોસ્પિટલોમાં ઈમરજન્સી-ટ્રોમા-ઓપરેશન થિયેટર સહિતની સેવાઓ વખતે દર્દીઓના સગાઓને ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય લેવાયો છે. એમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભૂજની હોસ્પિટલોમાં બાળકોના મોતના બનાવો અંગે થયેલ હોબાળા મુદ્દે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ માટે કમિટી ત્યાં મોકલવામાં આવેલ છે. તપાસ બાદ રિપોર્ટને આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ભૂજ ખાતે આવેલી અદાણી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવજાત સહિતના બાળકોના મોત અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા પછી નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, ભૂજ તપાસ માટે કમિટી મોકલવામાં આવી છે. તપાસ બાદ અહેવાલ આરોગ્ય કમિશનરને સોંપાશે, રિપોર્ટ સોંપાયા પછી આગળની કાર્યવાહી થશે.અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ૧૭ દિવસમાં ૧૯ શિશુઓના મોત થયા હતા જે બાદ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે અંગે ભારે હોબાળો પણ થવા પામ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલી મારામારી મામલે રાજયના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારી હોસ્ટિલોમાં લાખો દર્દીઓ આવે છે. તેમાં કેટલીક વાર દર્દીની સારી સારવાર થતી હોવા છતાં દર્દીનું મોત થતા ડો. સાથે મારામારી થતી હોય છે. તાજેતરમાં જે બનાવ બન્યો તે અંગે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે ટ્રોમા ઈમરજન્સી અને ઓપરેશન થિયેટરમાં જયાં દર્દીની સારવાર ચાલતી હોય ત્યાં દર્દીના સગાને હવેથી જવા દેવામાં નહી આવે એમ તેમણે ઉમેર્યું હતું.