(એજન્સી) તા.૧૦
ગુરૂવારે મુંબઇ પોલીસે એક પત્રકાર પરિષદમાં એવું જાહેર કર્યું હતું કે તેમણે ટેલિવિઝન રેટીંગ પોઇન્ટ્‌સ એટલે કે ટીઆરપીનું એક કૌભાંડ પકડી પાડ્યું હતું. મુંબઇના પોલીસ કમિશનર પરમવીરસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસમાં રીપબ્લિક ચેનલનું નામ બહાર આવી રહ્યું છે. તેના ડાયરેક્ટર્ર, પ્રમોટર કે કર્મચારીઓની પણ તેમાં સંડોવણી હોવાની શક્યતા છે. આ ઉપરાંત ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા સહિત બે મરાઠી ચેનલોના માલિકોની વ્યૂઅરશીપ રેટીંગ એટલે કે દર્શકોની સંખ્યાના રેટીંગમાં ગોટાળા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. કેટલાક ઘરોને આ ચેનલ આખો દિવસ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ચેનલ કોઇ જોતું હોય કે ન જોતું હોય તેને દર મહિને રૂા.૪૦૦થી ૫૦૦ આપવામાં આવતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીઆરપીમાં એડ રેવન્યૂ વધારવા માટે તેની સાથે ચેડાં કરવામાં આવે છે. વિજ્ઞાપનકારો, એડ એજન્સીઓ અને બ્રોડકાસ્ટ કંપનીઓની બનેલી સંસ્થા બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) ૪૫૦૦૦ કરતાં વધુ ઘરોમાં બીએઆર-ઓ-મીટર્સ ઇન્સ્ટોલ કરીને ભારતમાં ટીવી રેટીંગની ગણતરી કરે છે. આ માટે ૧૧ જેટલા માપદંડો હોય છે જેમાં પરિવારના કમાઉ સભ્યનું શૈક્ષણિક સ્તર અને કન્ઝયુમર ડ્યુરેબલની માહિતી જેવા માપદંડનો પણ સમાવેશ થાય છે. આ માટે જે પરિવારોની કે ઘરોની પેનલ બનાવી હોય તેને જો ઓળખી કાઢવામાં આવે તો ટીઆરપીમાં પણ ચેડાં થઇ શકે છે. તેમાં દર્શકોને કોઇ ચોક્કસ ચેનલ જોવા અથવા કેબલ સર્વિસ પ્રોવાઇડરને જ્યારે ટીવી ઓન થાય ત્યારે તેમની ચેનલ સૌ પહેલાં દેખાય એવી ગોઠવણ કરવા જણાવવામાં આવે છે. આમ ઘરમાં દર્શકોની સંખ્યા સાથે ચેડાં કરીને દર્શકોના ડેટાને સમગ્ર દેશ માટેના સેમ્પલ તરીકે ગણવામાં આવે છે. મુંબઇમાં બીએઆરસી દ્વારા રેટીંગનું મોનિટર કરવા માટે ૨૦૦૦ બેરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે અને દર્શકોની સંખ્યાનું મોનિટર કરવા માટે બીએઆરસી દ્વારા હાયર કરવામાં આવેલ એજન્સી હંસાની ફરિયાદ સાથે ટીઆરપી કૌભાંડની શરૂઆત થઇ હતી. ટીઆરપી સાથે ચેડાં કરવાથી તેની દુરોગામી અસર પડે છે કારણ કે ટેલિવિઝન સમાચારનો કરોડો રૂપિયાનો બિઝનેસ હોય છે. પીચ મેડિસન મીડ યર એડવર્ટાઇઝીંગ રિપોર્ટ અનુસાર ટીવી સમાચારોનું વર્ષના પ્રથમ છ મહિનામાં રૂા.૭૫૦ કરોડથી રૂા.૯૦૦ કરોડ વચ્ચેની રકમ એડ રેવન્યૂ તરીકે આપવામાં પ્રદાન રહ્યું છે. અન્ય ઘણી ટીવી સમાચાર ચેનલો ઉપરાંત રીપબ્લિક ટીવીની સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં અને રીયા ચક્રવર્તીની સંડોવણીની બાબતમાં કવરેજમાં સનસનાટી ઊભી કરવા માટે ટીકા થઇ છે.