પાલનપુર,તા.પ
પાલનપુરના આબુ હાઇવે પર તનુ મોટર્સ સામે ગત વહેલી સવારે ધંધાર્થે જઇ રહેલ બે યુવકની એક્ટીવા સ્લિપ થઇ જતા તેઓ નીચે પટકાયા હતા. જે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રક તેમની ઉપર ફરી વળતાં બંનેના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.
પાલનપુર આબુ હાઇવે નજીક આવેલ શિવ મહેલમાં રહેતા અને શક્તિ સ્વિટ(ફરસાણ)ની દુકાનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતા મુળ થરાદ તાલુકાના સવણીયા ગામના જીગરભાઇ લાધાભાઈ નાઇ અને શિવમહલમાં રહેતા ભરત નારણાભાઈ રાજપુત ગત વહેલી સવારે શિવ મહેલથી એક્ટીવા લઇ શક્તિ સ્વિટ નોકરીએ જતા હતા. તે સમયે બિહારી બાગ પાસે એક્ટીવા સ્લીપ ખાઇ જતા તેઓ નીચે પટકાયા હતા.
દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રક તેમના ઉપર ફરી વળી હતી. જેમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક પુર્વવત કરાવી બંને મૃતદેહોને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.