(એજન્સી) તા.૧૧
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાં જી-૭ શિખર છોડીને નીકળી ગયા બાદ બોલતા ભારત પર એવો આક્ષેપ કર્યો છે કે ભારત કેટલીક આયાત પર ૧૦૦ ટકા ટેરીફ ચાર્જ કરે છે. ટ્રમ્પે કેનેડામાં આયોજિત જી-૭ શિખરમાં સંયુક્ત નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શિખર પરિષદને અધૂરી છોડીને અમેરિકા પરત આવી ગયા હતા. તેમણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને અપ્રામાણિક અને નબળા ગણાવ્યા હતા તેમજ ટ્રેડવોરની ધમકી આપી હતી. ટ્રમ્પે જી-૭ દેશો સાથે પોતાના મતભેદોનો વિવાદ છેડીને અમેરિકન ચીજવસ્તુઓ પર વિશ્વભરમાં ઊંચા ટેક્સ હોવાનું જણાવીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતમાં કેટલીક ચીજવસ્તુ પર ૧૦૦ ટકા ટેરીફ છે. ૧૦૦ ટકા અને અમે કોઇ ચાર્જ કરતા નથી. અમે કરી પણ ન શકીએ. આથી અમે ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ એવું જણાવીને ટ્રમ્પે ઉમેર્યુ હતું કે ભારત સાથેની વાતચીતનું અત્યાર સુધી સારું પરિણામ આવ્યું નથી. સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર વિવાદાસ્પદ ૨૫ અને ૧૦ ટકાના ટેરીફ પર ટ્રમ્પ પ્રશાસન પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ ભારત ગત મે,માં વિશ્વ વ્યાપાર સંઘ(ડબલ્યુઇઓ)માં ગયું હતું અને અમેરિકા સાથે પરામર્શ સાથે માગણી કરી હતી કે જે વૈશ્વિક સંસ્થામાં કોઇ પણ વિવાદ નિવારણ પ્રક્રિયામાં જરુરી પગલું છે. અહેવાલો અનુસાર ભારત આ વર્ષે અગાઉ અત્યાધુનિક મોટરસાયકલની આયાત પર જાહેર કરેલ ડ્યૂટી કાપને પુનઃ પ્રસ્થાપિત કરવા વિચારી રહ્યું છે.