(એજન્સી) આગરા, તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં આગરાના માર્ગો પર બ્રજ સંસ્કૃતિની કેટલીક ઝલકો પ્રસ્તુત કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પદ્મશ્રીથી સન્માનિત મોહન સ્વરૂપ ભાટિયા સહિત સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તથા ધાર્મિક સમાજના પ્રતિનિધિઓએ બ્રજ સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે અને વિરોધ કર્યો છે. લોક સંસ્કૃતિની સુરક્ષા માટે ગત વર્ષે પદ્મશ્રી સન્માનથી નવાજાયેલા મોહન સ્વરૂપે કહ્યું છે કે, કોઇપણ વિશેષ વ્યક્તિ માટે રાધા કૃષ્ણના સ્વરૂપોને માર્ગ પર ઉતારીને પ્રદર્શન કરાવવું બ્રજ સંસ્કૃતિનું અપમાન છે. રાધા કૃષ્ણ સામાન્ય ચરિત્ર નથી. તેઓ કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. તેમની સાથે આરાધ્ય છે અને જ્યારે કોઇ કલાકાર તેમનું સ્વરૂપ ધારણ કરે છે તો શ્રદ્ધાળુઓ તેમને પણ તેમના પ્રતિક માની સન્માન આપે છે. આવા સમયે માત્ર માનવની ખુશી ખાતર તેમને માર્ગો પર ઉતારતા ચોક્સપણે તેમની માન્યતાઓને ધક્કો લાગશે. તેથી સરકારે આ કાર્યક્રમ કોઇ મંચ પર આયોજિત કરવું જોઇએ. એક બેઠકમાં મથુરાના રાસ કલાકાર હરિ વલ્લભ શર્માએ કહ્યંું કે, ૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં બ્રજ સંસ્કૃતિના પ્રદર્શન માટે મહારાસ કાર્યક્રમોનું માર્ગો પર આયોજન કરવું પરંપરાથી વિપરિત છે. બેઠકમાં સામેલ અન્ય કલાકારોએ પણ આ પ્રકારના આયોજનનો વિરોધ કર્યો છે.