(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪મી ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઊઠાવશે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, અમેરિકા ભારતની લોકશાહી પરંપરા તથા સંસ્થાઓનું ખૂબ સન્માન કરે છે. એક વરિષ્ઠ અધિકારીએ કોન્ફરન્સ કોલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના જાહેર તથા ચોક્કસપણે અંગત બંને ભાષણોમાં આપણી લોકશાહી પરંપરા અને ધાર્મિક આઝાદી વિશે ચોક્કસપણે વાત કરશે તેઓ આ મુદ્દાઓને ઊઠાવશે અને ખાસ કરીને ધાર્મિક આઝાદીનો મુદ્દો વહીવટી તંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે, શું સીએએ અથવા એનઆરસી અંગે ટ્રમ્પની વડાપ્રધાન મોદી સાથે વાત કરવાની યોજના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પનો ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ અમદાવાદ, આગરા અને દિલ્હી જવાનો કાર્યક્રમ છે. અધિકારીએ જણાવ્યું કે, અમારા સાર્વભૌમિક મૂલ્યો, કાયદો વ્યવસ્થાને જાળવી રાખવાની સંયુક્ત કટિબદ્ધતા છે. અમે ભારતની લોકશાહી પરંપરાઓ અને સંસ્થાઓનું ઘણું સન્માન કરીએ છીએ અને ભારતને એ પરંપરાઓને જાળવી રાખવા માટે પ્રેરિત કરતા રહીશું.
સીએએ અને એનઆરસીના સવાલ અંગે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે તમારા દ્વારા ઊઠાવાયેલા કેટલાક મુદ્દાઓ અંગે ચિંતિત છીએ. મને લાગે છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સાથે પોતાની બેઠકમાં આ મુદ્દાઓ ઊઠાવશે. દુનિયા પોતાની લોકશાહી પરંપરાઓ, ધાર્મિક લઘુમતીઓનું સન્માન જાળવી રાખવા માટે ભારત તરફ જોઇ રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સ્પષ્ટ રીતે ભારતીય બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક લઘુમતીઓનું સન્માન અને તમામ ધર્મો સાથે સમાન વ્યવહારની વાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રપતિ માટે મહત્ત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે, તેઓ આ અંગે જરૂરથી વાત કરશે. તેમણે કહ્યું કે, ભારત ધાર્મિક અને ભાષાકીય રીતે સમૃદ્ધ છે અને સાંસ્કૃતિક વિવિધતાવાળો દેશ છે. તેમણે કહ્યું કે, એટલે સુધી કે ભારત દુનિયાના ચાર મોટા ધર્મોનું ઉદ્‌ગમ સ્થાન છે. વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પાછલી ચૂંટણીઓ જીત્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં આ અંગે વાત કરી રહ્યા હતા કે, તેઓ ભારતના ધાર્મિક લઘુમતીઓને સાથે લઇને ચાલવાને પ્રાથમિકતા આપશે અને નિશ્ચિત રીતે જ દુનિયાની નજર કાયદો વ્યવસ્થા અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવા અને તમામની સાથે સમાન વ્યવહાર કરવા માટે ભારત પર ટકેલી છે.