વૉશિંગ્ટન, તા.૮

અમેરિકાના જાણીતા અખબાર ‘ધી વૉશિંગ્ટન પોસ્ટ’ દ્વારા મેળવાયેલા એક સનસનીખેજ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મહિલાઓનું અપમાન કરતા દેખાડાયા છે, અને તે અંગે ટ્રમ્પે માફી માગી છે. ૨૦૦૫ની સાલના વીડિયોમાં તેમને એમ કહેતા દર્શાવાયા છે કે, મહિલાઓ સાથે મોજ કરી શકાય, અને તેમની સાથે ચુંબન તથા અન્ય જાતીય પ્રવૃત્તિ કરી શકાય, ખાસ કરીને જ્યારે તમે સ્ટાર હો ત્યારે તમને મહિલા એમ કરવા દે!

ટ્રમ્પ આ વીડિયોમાં બિલી બુશની સાથે વાત કરતા દર્શાવાયા છે, જે એક શો માટે વાત કરી રહ્યા છે તથા એક બસમાં પ્રવાસ કરે છે. પરંતુ ગત શુક્રવારના રોજ રિપબ્લિકન પાર્ટી તરફથી આ વીડિયોની ભારે ટીકા થવા માંડી એટલે ટ્રમ્પે એક નાનો વીડિયો રજૂ કરીને પોતાનું નિવેદન આપ્યું હતું. નિવેદનમાં તેમણે કહ્યું છે કે, “આ મારા જ શબ્દો છે. મારી ભૂલ છે, અને હું માફી માગું છું.”

જોકે, તેમણે એમ પણ ઉમેર્યું છે કે, મારા શબ્દો ભલે બેવકૂફીભર્યા લાગે, પરંતુ મહિલાઓનો દુરુપયોગ કરનાર બિલ ક્લિન્ટને કરેલાં કામો અને બોલેલા શબ્દોથી તો ઘણા જુદા છે. ટ્રમ્પે કહ્યું કે, હિલેરી ક્લિન્ટન તો જેનો ભોગ લે છે તેના પર ભારે ક્રૂરતાથી હુમલો કરે છે, ધમકાવે છે, ડરાવે છે અને લજ્જિત કરે છે. મેં તોે કદી કહ્યું નથી કે હું પરિપૂર્ણ પુરુષ છું, અને જે હું નથી એવા દેખાવાનો કદી ડોળ પણ નથી કર્યો. અને લગભગ એક દાયકા જૂના આ શબ્દો પણ જોઈને મને જે લોકો ઓળખે છે તેમને ખબર છે કે આ શબ્દો મારું પ્રતિબિંબ નથી.

સાથોસાથ, રિપબ્લિકન પાર્ટીના ટીકાકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, આપણે આ મુદ્દો આગામી દિવસોેમાં ચર્ચામાં લઈશું. રવિવારે યોજાનારી ડિબેટમાં મળીશું.

બૉક્સ

વીડિયોમાં શું છે?

વીડિયોમાં ચોંકાવનારી બાબતો છે અને મહિલાઓને દુઃખ લાગે તેવા શબ્દો છે. એક મહિલાને ‘ફોસલાવવા’ના ટ્રમ્પના નિષ્ફળ પ્રયાસની એમાં વાત છે. જોકે, વીડિયોના ઑડિયોમાં તે મહિલાનું નામ દર્શાવાયું નથી. ટ્રમ્પ એમાં કહે છેઃ “હું એ મહિલા તરફ ફર્યો પણ વાત જામી નહીં. મેં ફરી પ્રયાસ કરી જોયો. એને કંઈક ફર્નિચર ખરીદવું હતું, મેં સારી જગ્યા બતાવવાનું એને કહ્યું. મેં એના પર હુમલો કરી દીધો, પણ તોય તે છટકી ગઈ. તમે જાણો છો કે, મને સુંદરતા ખૂબ જ આકર્ષે છે.

મેં તેને કિસ કરવાનું શરૂ કરી દીધું. એ તો તદ્દન લોહચુંબક જેવું છે, બસ, કિસ કર્યે જ રાખી. અને એક વાત કહું? જ્યારે તમે સ્ટાર હો તો તમને આમ કરવા દે. તમે કશું પણ કરી શકો.”

જોકે, આ વીડિયો તથા અવાજને પોતાનાં તરીકે સ્વીકારીને ડોનાલ્ડ ટ્રમ્પે માફીની યાચના કરી છે.