(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સાથેની તેમની બેઠકનો અમેરિકી મીડિયાની ટીકા કરવા માટે ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે પત્રકારો દ્વારા તેમની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન કરતા પણ વધુ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતેની બેઠકમાં પ્રથમવાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ટ્રમ્પ અને ઇમરાનખાને કાશ્મીર મુદ્દા અને અફઘાન શાંતિ પ્રક્રિયા સહિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઓવલ ઓફિસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ઇમરાનખાને જણાવ્યું હતું કે વિશ્વમાં પાકિસ્તાનમાં સૌથીવધુ મુક્ત અને સ્વતંત્ર પ્રેસ છે. પાકિસ્તાનમાં મીડિયાની સ્વતંત્રતા પર ઇમરાનના શાસન દરમિયાન હુમલા કરવામાં આવ્યા હોવાના આરોપોને ઇમરાનખાને રદિયો આપ્યો હતો. પાકિસ્તાની પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ઇમરાનખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રેસ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું કહેવું એક મજાક છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈમરાનખાનને ખાસ ભેટ આપી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવ્યા છે. મુલાકાતના અંતિમ દિવસે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. તે સમયે ટ્રમ્પે ઈમરાનખાનને એક બેટ ભેટ આપ્યું હતું. ઈમરાનખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટહાઉસમાં મુલાકાત થઈ હતી. તે સમયે ટ્રમ્પે ખાનને એક બેટ આપ્યું હતું જે તસવીરમાં જોવા મળે છે.