(એજન્સી) અમદાવાદ,તા.ર૪
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું અમારા પાકિસ્તાન સાથે સારા સંબંધો છે અને અમે પ્રયાસો કરીશું કે આ વિસ્તારમાં તણાવમાં ઘટાડો કરી શકાય. ટ્રમ્પની આ ટિપ્પણીથી સ્ટેડિયમમાં તો શાંતિ રહી પણ ટવીટર ઉપર લોકોએ નારાજગી દર્શાવી એક યુઝરે લખ્યું ગદ્દાર, દેશદ્રોહ, જેલમાં મોકલો. ટ્રમ્પને ખબર નથી અહીં પાકિસ્તાનની પ્રશંસા કરવી દેશદ્રોહ છે. બેંગાલુરૂમાં એક વિદ્યાર્થિનીએ પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રો પોકારતા એને જેલમાં મોકલી અપાયો છે.
પાકિસ્તાન બાબત ટિપ્પણી પછી લોકો ટ્રમ્પની એક બીજી ટિપ્પણીથી નારાજ છે. ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત વખતે ડાયરીમાં જે લખ્યું એ બધાને આશ્ચર્યમાં મુકનાર છે. એમણે ગાંધીજીનો ઉલ્લેખ સુદ્ધાં નહીં કર્યું. એમણે લખ્યું મારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીઃ આવી ખૂબ જ સુંદર મુલાકાત બદલ આભાર આટલુ લખી એમણે સહી કરી હતી. ટ્રમ્પની આ પ્રકારની ઉકિતથી લોકોએ નારાજગી સાથે રોષ ઠાલવ્યો હતો.
એક યુઝરે લખ્યું એવું જણાઈ રહ્યું છે કે મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે સાબરમતી મેં બનાવી છે અને અહીં હું બાળપણમાં ચા વેચતો હતો, ગાંધી માટે એક શબ્દ નહીં ! આશ્ચર્ય ! અન્ય એક વ્યકિતએ લખ્યું ટ્રમ્પ ત્યારે જ સારૂ બોલે છે. જયારે ટેલિપ્રોમ્પટર દ્વારા બોલે છે ! આશ્ચર્ય થાય છે કે એમના સલાહકારે એમને ગાંધીજી માટે ચાર લાઈનો પણ લખી નહીં આપી.
અન્ય એક વ્યકિતએ ટ્રમ્પની સહી અંગે ટોણો મારતા લખ્યું એમણે સહી કરી છે કે ઈસીજી રિપોર્ટ આપી ગયા છે. એક વ્યકિતએ લખ્યું ટ્રમ્પ મોદી અને ભાજપના ખાસ મિત્ર છે. મોદી-ભાજપ ગાંધીને મિટાવી દેવા માંગે છે. ગાંધીજીનો ઉલ્લેખ નહીં કરી ટ્રમ્પ પણ મોદીને આમાં મદદ કરી રહ્યા છે. ટ્રમ્પે વિઝિટર બુકમાં ગાંધીજીનો ઉલ્લેખ નહીં કર્યું ખુબ જ અયોગ્ય અને શરમજનક.