(એજન્સી) તેહરાન,તા.૧૯
ઇરાનના પ્રમુખ હસન રૂહાનીએ ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું છે કે, જો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ૨૦૧૫માં ઇરાન અને પી-૫-પ્લસ દેશોના જૂથ વચ્ચે થયેલા ઐતિહાસિક પરમાણુ કરાર પર પ્રતિબંધ મુકવાના પગલાં ભરશે તો અમેરિકાને મોંઘું પડી શકે છે. ન્યૂયોર્કમાં સીએનએનને આપેલા ઇન્ટરવ્યૂમાં રૂહાનીએ સખત શબ્દોમાં જણાવ્યંુ હતું કે, આવા કરારમાંથી ખસી જવા બદલ અમેરિકાને ભારે કિંમત ચુકવવી પડશે. મારા મતે અમેરિકા પોતાના માટે ભારે કિંમત ચુકવવાની કોઇ ભૂલ નહીં કરે જે તેમના માટે નકામી હશે.
સંયુક્ત રાષ્ટ્રની ૭૨મી મહાસભાના ભાગરૂપે ઇરાનના મુખ્ય સચિવ ન્યૂયોર્કમાં ગયા હતા અને ત્યાં તેમણે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના સરકાર એવા કરારને ભંગ કરવા તલપાપડ છે જે અમેરિકા માટે કોઇ નક્કર પરિણામ આપી શકશે નહીં. દરમિયાન રૂહાનીએ ચેતવણી પણ આપી છે કે, આવા પગલાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું મૂલ્ય ઘટી જશે. જોઇન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન (JCPOA) નામે જાણીતા પરમાણુ કરારના ભવિષ્ય અંગે વધતી ચિંતાઓ બાદ ઇરાનના પ્રમુખનું આ નિવેદન આવ્યું છે. આ કરારને ઇરાન તથા અન્ય પાંચ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રીતે હસ્તાક્ષર કર્યા છે. ૧૪મી જુલાઇ ૨૦૧૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ચીન પ્લસ જર્મની દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ કરારને ૧૬મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ અમલમાં લાવવામાં આવ્યો હતો. ઇરાન પર મુકવામાં આવેલા વર્ષો સુધીના પરમાણુ પ્રતિબંધો હટાવી લેવા માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં જ આ કરારનો વિરોધ કરતા તેના વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો અને આ કરારને સૌથી નકારાત્મક ગણાવી તેનો ભંગ કરવાની ચેતવણી ઉચ્ચારી દીધી હતી. ઇરાન અને વોશિંગ્ટન વચ્ચે ત્યારથી તંગદિલી પ્રવર્તી રહી છે જ્યારથી ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. બંને દેશો તરફથી JCPOAની ઇમાનદારી પૂર્વક જવાબદારી નિભાવવામાં નિષ્ફળતાના આરોપ લગાવાય છે. પરમાણુ કરારને સમજૂતીના માર્ગે લાવનાર અમેરિકા જ હવે આ કરારને તોડી પાડવા માટે ઉતાવળિયું બન્યું છે.